
વડોદરા કૌભાંડ: અજમેરીના ઘરેથી નકલી સોનું-નોટો નો જથ્થો મળ્યો
વડોદરા: તાંદલજામાંથી કિલો નકલી સોનું-નોટો ઝડપાઈ
નકલી સોનું-નોટો :વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ભજવાયું હોય તેમ, સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે કરોડોની ઠગાઈ કરતી ટોળકીના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જે.પી. રોડ પોલીસ મથકે નોંધાયેલા રૂ. 4.92 કરોડની જંગી છેતરપિંડીના ગુનાની તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે.
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને પોલીસ પકડથી દૂર ભાગતા ઈલ્યાસ અજમેરીના ભાઈ ઈદ્રિસ અજમેરીના તાંદલજા સ્થિત ‘ચાંદપાર્ક હાઈટ્સ’ના ફ્લેટમાં પોલીસ, પીસીબી અને એસઓજીની ટીમોએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. સોમવારે હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન પોલીસ પણ ત્યારે ચોંકી ઉઠી હતી જ્યારે ઘરમાંથી સાચા સોનાને બદલે 3 કિલો જેટલા વજનના 50 નંગ નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આટલું જ નહીં, ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી રૂ. 1.62 કરોડની ફેસ વેલ્યુ ધરાવતી નકલી ચલણી નોટોના બંડલો પણ મળી આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ આ નકલી સોનું અને રમકડાની નોટો બતાવીને વેપારીઓને વિશ્વાસમાં લેતા હતા અને સસ્તા ભાવે સોનું કે લોન અપાવવાની જાળ બિછાવતા હતા. તપાસની ગંભીરતાને જોઈને પોલીસે સ્થળ પર જ ફોરેન્સિક વેન અને નોટ ગણવાના મશીનો મંગાવીને મુદ્દામાલની ગણતરી કરી હતી. હાલ ઈદ્રિસ અજમેરીની અટકાયત કરવામાં આવી છે, જેણે પ્રાથમિક પૂછપરછમાં આ સામાન ફરાર ઈલ્યાસ મૂકી ગયો હોવાનું રટણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઈલ્યાસ અજમેરી રીઢો ગુનેગાર છે અને અગાઉ 2022માં પણ તે આ જ મોડસ ઓપરેન્ડીથી 72 લાખની ઠગાઈમાં ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. હાલ પોલીસ મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
