
વડોદરા: વીજળી બચાવવા પાલિકા લગાવશે સૂર્યમુખી સોલાર ટ્રી
વડોદરામાં સૂર્યમુખી આકારના સોલાર ટ્રીથી વીજ ઉત્પાદન કરવાનું આયોજન
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સૂરત બદલવા અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર થવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ‘નેટ ઝીરો ઇનિશિએટિવ’ અંતર્ગત પાલિકા હવે શહેરના બગીચાઓ, સરકારી કચેરીઓ અને જાહેર સર્કલોમાં આધુનિક ‘સોલાર ટ્રી’ સ્થાપિત કરશે. આ સોલાર ટ્રી સૂર્યમુખી અને અન્ય ફૂલોના આકારમાં હશે, જે વીજ ઉત્પાદનની સાથે શહેરની શોભામાં પણ વધારો કરશે.
આ વિશાળ પ્રોજેક્ટના આયોજન, ડીપીઆર (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિ.ની નિમણૂક કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જે માટે ₹1.67 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. હાલમાં પાલિકાનો કુલ વીજ વપરાશ 45 મેગાવોટ જેટલો છે, જેમાં 1500થી વધુ લો ટેન્શન અને 100થી વધુ હાઇ ટેન્શન જોડાણો છે. ખાસ કરીને સ્ટ્રીટલાઇટ અને પાણી પુરવઠા પમ્પિંગ સ્ટેશનોમાં વીજળીનો વ્યાપક વપરાશ થાય છે. હાલમાં પાલિકા માત્ર 3 મેગાવોટ વીજળી રિન્યુએબલ સોર્સથી મેળવે છે, જે વપરાશની સામે ખૂબ ઓછી છે.
સોલાર ટ્રી ટેકનોલોજીની વાત કરીએ તો, તે ખૂબ જ ઓછા વિસ્તારમાં વધુ કાર્યક્ષમતા આપે છે. માત્ર 4 ચોરસ ફૂટની જગ્યામાં 5 કેવીની સિસ્ટમ લગાવી શકાય છે. તેના પાંદડા આકારની પેનલ્સ સૂર્યની દિશામાં ફરી શકે તેવી ડિઝાઇનમાં હશે જેથી આખો દિવસ મહત્તમ ઉર્જા મળી રહે. આ પ્રોજેક્ટ માત્ર સોલાર ટ્રી પૂરતો સીમિત નથી; આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ, આજવા-પ્રતાપપુરા કેનાલ પર કેનાલ ટોપ સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટનું પણ ભવિષ્યનું આયોજન છે. આ તમામ પ્રકલ્પો દ્વારા પાલિકા લાખો રૂપિયાના વીજ બિલમાં બચત કરવાની સાથે પર્યાવરણ જાળવણીમાં પણ મહત્વનું યોગદાન આપશે.
