
જાપાનના હોકાઈડોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો ખતરો ટળ્યો
જાપાનના હોકાઈડોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી નથી
વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ દેશ એવા જાપાનમાં આજે ફરી એકવાર કુદરતી આપત્તિ ત્રાટકી છે. સોમવારે વહેલી સવારે જાપાનના બીજા ક્રમના સૌથી મોટા ટાપુ હોકાઈડોમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. આ આંચકા એટલા તેજ હતા કે હોકાઈડો સહિત ઉત્તર જાપાનના અનેક શહેરોમાં ઈમારતો ધ્રૂજવા લાગી હતી.
જાપાન મેટ્રોલોજીકલ એજન્સી (JMA) ના જણાવ્યા મુજબ, ભૂકંપ સવારે 5:23 કલાકે આવ્યો હતો. તેનું એપીસેન્ટર દક્ષિણ હોકાઈડોમાં 83 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ગંભીર તીવ્રતા હોવા છતાં, દરિયામાં કોઈ મોટી હલચલ ન થતાં સુનામીની ચેતવણી આપવામાં આવી નથી, જેનાથી જાપાનના દરિયાકાંઠાના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રારંભિક અહેવાલો અનુસાર, હોકાઈડોના ટોકાચી વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં જાપાનીઝ સિસ્મિક ઈન્ટેન્સિટી સ્કેલ પર 5 થી વધુની તીવ્રતા નોંધાઈ હતી. સદનસીબે, મજબૂત બાંધકામ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાને કારણે કોઈ મોટી જાનહાનિ કે માળખાગત નુકસાન થયું નથી. રેલવે અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે અને ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી એક સપ્તાહ સુધી સમાન તીવ્રતાના આફ્ટરશોક્સ આવી શકે છે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) નો ખતરો વધી ગયો છે. જાપાનમાં ગયા અઠવાડિયે પણ ઇવાતે વિસ્તારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે દર્શાવે છે કે હાલમાં પ્રશાંત મહાસાગરની ટેક્ટોનિક પ્લેટ્સ વધુ સક્રિય છે. જાપાન સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સ્થાનિક લોકોને તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.
