
વડોદરા: હોસ્ટેલમાં ખાલી બોટલ પકડતી પોલીસ, દારૂનો અડ્ડો ભૂલી ગઈ?
સયાજીગંજ: લિસ્ટેડ બુટલેગર રાકા બોસ પર પોલીસની રહેમનજર
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની કામગીરી અત્યારે શંકાના દાયરામાં છે. ‘ખુદ ગબ્બર સિંહ’ જેવી હાલત અહીં જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસે મોટી ફોજ સાથે ત્રાટકીને માત્ર ખાલી બોટલો પકડી હતી અને મીડિયામાં મોટી વાહવાહી મેળવી હતી. પરંતુ આ કામગીરી માત્ર જનતાની આંખમાં ધૂળ નાખવા સમાન છે, કારણ કે હકીકત તો હોસ્ટેલની બહારના રસ્તા પર છતી થાય છે.
પ્રતાપગંજ યુનિવર્સિટી હોસ્ટેલ અને પૂજા હોટલની બિલકુલ સામે, લિસ્ટેડ બુટલેગર રાકેશ ઠાકોર ઉર્ફે રાકો બોસ પોતાનું ગેરકાયદે સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. વિદેશી અને દેશી દારૂનો આ વેપલો એટલો સરેઆમ છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પણ તે જોઈ શકે છે, સિવાય કે સયાજીગંજ પોલીસ! આંધળી બનેલી પોલીસ પાછળનું કારણ સયાજીગંજ પોલીસ સ્ટેશનના વહીવટદારની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે આ વહીવટદારના રાકા બોસ પર ચાર-ચાર હાથ છે.
પોલીસ સ્ટેશનના હિતો સાચવતા આ વહીવટદારે બુટલેગરો પાસેથી આર્થિક હપ્તાઓ લઈને તેમને ‘લાઈસન્સ ટુ ક્રાઈમ’ આપી દીધું હોય તેવું જણાય છે. એક તરફ પોલીસ યુનિવર્સિટીના શૈક્ષણિક પરિસરમાં ઘૂસીને ખાલી કાચના ટુકડા જપ્ત કરીને ખુશ થાય છે, અને બીજી તરફ તે જ પરિસરની દિવાલ પાસે દારૂના અડ્ડાઓ ધમધમતા રાખે છે. આ કેવી વિરોધાભાસી નીતિ? રાકો બોસ જેવા લિસ્ટેડ ગુનેગાર સામે કાર્યવાહી કરવાને બદલે તેને રક્ષણ આપવું એ પોલીસના શપથનું અપમાન છે. વડોદરાની જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ હવે આ દંભી કામગીરીથી કંટાળ્યા છે. જો ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટ વહીવટદાર અને બુટલેગરની ત્રિપુટીને નહીં તોડે, તો વડોદરામાં દારૂબંધી માત્ર એક જોક બનીને રહી જશે. સયાજીગંજ પોલીસની આ રહેમનજર પાછળ કેટલો મોટો વહીવટ છે, તેની તપાસ થવી અનિવાર્ય છે.
