રાજકોટ મનપા: જન્મ-મરણ દાખલા માટે લાઇન, સ્ટાફ ચૂંટણી કામમાં

રાજકોટ મનપા: જન્મ-મરણ દાખલા માટે લાઇન, સ્ટાફ ચૂંટણી કામમાં

રાજકોટ સિવિક સેન્ટર પર જન્મ-મરણ ના દાખલા માટે  લાંબી લાઈનો; ૯ સ્ટાફને ચૂંટણી કામમાં ખસેડાયા

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર પર આજે જન્મ-મરણ ના દાખલા કઢાવવા આવેલા સેંકડો અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં લાઇન પદાધિકારીઓના બિલ્ડીંગના પગથિયાં સુધી પહોંચી ગઈ હતી, કારણ કે ચૂંટણીને લગતી મતદાર યાદીની કામગીરી માટે આ વિભાગના મોટા ભાગના કર્મચારીઓને ખસેડી દેવાયા છે.

જન્મ-મરણ વિભાગમાં કુલ ૧૧ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, જે પૈકી ૯ કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં લઈ જવામાં આવ્યા છે. જેના કારણે આજે જન્મ-મરણ વિભાગમાં માત્ર એક મુખ્ય અધિકારી અને એક ક્લાર્ક જ કામ કરતા નજરે પડ્યા હતા. ઓછો સ્ટાફ હોવાને કારણે દાખલામાં સુધારા સહિતના કામો માંડ માંડ થઈ રહ્યા હતા, જેના લીધે અરજદારોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી હતી.

અધિકારીઓના મતે, છેલ્લા છ મહિનાથી ત્રણ જુદા જુદા પોર્ટલ (કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર) પર એકસાથે કામગીરી કરવી પડી રહી છે. પોર્ટલની સમસ્યાઓથી સ્ટાફ પહેલેથી જ પરેશાન છે, અને હવે ચૂંટણી કામગીરીને કારણે સ્ટાફની સંખ્યા નહિવત્ત રહી જતાં અરજદારોની મુશ્કેલીઓ વધી છે.

આ ત્રણેય પોર્ટલ પરના ફેરફારની સત્તા માત્ર સરકાર પાસે હોવાથી, વિભાગ દ્વારા ધીમી ગતિએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જોકે, અરજદારો સવારથી લાઈનો લગાવીને બેઠા હોવા છતાં તેમની પરેશાની અંગે કોઈ ઉચ્ચ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિએ ધ્યાન આપ્યું ન હતું, જેનાથી મનપાની ડિજિટલ વ્યવસ્થાઓ પર પણ સવાલ ઊભા થયા છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )