
ગુજરાતના શિક્ષકોનો BLO કામગીરી સામે વિરોધ, મુખ્યમંત્રીને આવેદનપત્ર
BLO કામગીરી: ધરપકડ વોરંટ સામે શિક્ષકોનો વિરોધ, અલગ કેડરની માંગ
રાજકોટ/અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) ની કામગીરીમાં શિક્ષકોને ફરજ સોંપવામાં આવતા શિક્ષક જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવતાં આજે (૧૫ નવેમ્બર) રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષણિક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું કે, મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની અલગ કેડર ઊભી કરવામાં આવે. સંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેન વ્યાસે આક્ષેપ કર્યો કે, બીમાર હોય કે દૂર રહેતા હોય તેવા શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, જે નીંદનીય છે. તેમણે ઉમેર્યું કે, શિક્ષકોને આવી કામગીરી સોંપવાથી શાળા કક્ષાએ શિક્ષણને સદંતર અસર થાય છે.
અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓએ પણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. પ્રાંત મહિલા મંત્રી અક્ષિતા જાનીએ જણાવ્યું કે, શિક્ષકોને વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, એક BLO ને સરેરાશ ૧૪૦૦ મતદારોની વિગતો એકત્ર કરી તેની ઓનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી હોય છે, જે સમયખાઉ છે.
શિક્ષિકા હિરલ જાનીએ માંગ કરી કે, BLO તરીકે ફરજ દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર થવાથી મોડી રાત સુધી ફોન આવતા હોય છે, તેથી વ્યક્તિગત નંબરની જગ્યાએ કોમન હેલ્પલાઇન નંબર આપવામાં આવે, જેથી શિક્ષકોની ગોપનીયતા જળવાઈ રહે. શિક્ષક સંઘોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવા માટે માંગણી કરી છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
