વ્યસનમુક્તિ ના નામે કરોડો, રસ્તા પર ઝેર ખુલ્લેઆમ

વ્યસનમુક્તિ ના નામે કરોડો, રસ્તા પર ઝેર ખુલ્લેઆમ

સરકાર વ્યસનમુક્તિ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ

“દીવા તળે અંધારું” જેવી નીતિ સાથે સરકાર આજે મધ્યમવર્ગના રક્ષણને બદલે શોષણ કરી રહી છે. દારૂ અને સિગારેટથી સ્વાસ્થ્ય બગડે છે તેવી જાહેરાતો કરવા માટે પ્રજાના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં આ ચીજોનું વેચાણ બંધ કરવાના બદલે સરકાર તેના પર ટેક્સ વસૂલી મોજ કરે છે. આવું જ કંઈક ટ્રાફિક અને પર્યાવરણીય પ્રદૂષણ મામલે થઈ રહ્યું છે.

રસ્તા પર કાન ફાડી નાખતા હોર્ન અને સામેથી આવતા ચાલકની આંખો અંજાવી અકસ્માત સર્જતી વ્હાઇટ લાઈટો આજે સામાજિક દુષણ બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ વસ્તુઓ બજારમાં ખુલ્લેઆમ મળે છે અને પોલીસ માત્ર વાપરનારાઓને પકડીને સંતોષ માને છે. સવાલ એ ઊભો થાય છે કે આ વસ્તુઓ બનાવનારા યુનિટો પર તાળા કેમ નથી લાગતા? શું આ કંપનીઓ ચૂંટણી સમયે સત્તાધારી પક્ષોની તિજોરી ભરે છે? વહીવટી માળખું કેમ આંધળું બનીને બેઠું છે?

સરકાર માત્ર પ્રજાને સમજાવવાના નાટકો કરે છે, પણ ઉત્પાદકો સામે લાલ આંખ કરવાની હિંમત બતાવતી નથી. ઉદ્યોગપતિઓના હિત સાચવવાની લ્હાયમાં સામાન્ય નાગરિકના સ્વાસ્થ્ય અને શાંતિનો ભોગ લેવાઈ રહ્યો છે. આજે સમાજમાં ફેલાયેલી આ અરાજકતા માટે ત્રણેય પક્ષ જવાબદાર છે: લોભી સરકાર જે દંડ વસૂલવામાં મસ્ત છે, સ્વાર્થી ઉત્પાદક જે માત્ર નફો જુએ છે, અને તે યુવા પેઢી જે ફેશનના નામે બીજાની સુખ-શાંતિ છીનવી રહી છે. પરંતુ સૌથી વધુ જવાબદારી તે તંત્રની છે જે હાનિકારક વસ્તુઓનું ઉત્પાદન થવા દે છે. જો સરકાર ખરેખર પ્રજાનું હિત ઈચ્છતી હોય, તો જાહેરાતોનો ધુમાડો બંધ કરી આ ઝેર બનાવતા યુનિટો પર બુલડોઝર ફેરવવું જોઈએ. બાકી, આ તો “પ્રજાને મારવાની અને ઉત્પાદકોને પંપાળવાની” વ્યવસ્થિત ચાલ સિવાય બીજું કંઈ નથી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )