
નૂતન વિદ્યાલય, સુભાનપુરામાં વિદ્યાર્થીઓ માટે આંખ કેમ્પ
નૂતન વિદ્યાલય માં શંકરા હોસ્પિટલના સહયોગથી આંખ તપાસ કેમ્પ
વડોદરા નૂતન વિદ્યાલય: સુભાનપુરા સ્થિત નૂતન વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ તથા કર્મચારીગણના આરોગ્યની ચિંતા કરીને એક મહત્ત્વપૂર્ણ આંખ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાજોપયોગી કેમ્પનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વડોદરાની અધ્યક્ષતા હેઠળ શાળા મંડળ, શંકરા આઈ હોસ્પિટલ, મોગરી (આણંદ), તથા રોટરી ક્લબ ઓફ વડોદરા, સયાજીનગરીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓની દ્રષ્ટિને લગતી સમસ્યાઓની ઝીણવટભરી તપાસણી કરવામાં આવી હતી. તપાસ બાદ વિદ્યાર્થીઓને તેમની આંખની સમસ્યાઓ અંગે યોગ્ય ઉપચાર અને આંખની સંભાળ તેમજ સમસ્યાઓને નિવારી શકાય તેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આંખોની યોગ્ય સાર સંભાળ કઈ રીતે રાખવી તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું, જે તેમને ભવિષ્યમાં ઘણી જ મદદરૂપ થશે.
શાળા સત્તામંડળે કેમ્પની સફળતા બદલ સમગ્ર શાળા સ્ટાફ, શંકરા આઈ હોસ્પિટલની ડોક્ટરોની ટીમ અને રોટરી ક્લબ ઓફ વડોદરા, સયાજીનગરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સહયોગથી વિદ્યાર્થીઓની આંખોની સમસ્યાઓ મહદ અંશે ઉકેલવામાં આવી હતી.
શાળા સત્તામંડળે ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને સમાજોપયોગી કેમ્પનું આયોજન મોટા પાયા પર કરવા માટે તૈયારી બતાવી છે, જે એક આવકારદાયક પગલું છે. આ કેમ્પ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
