
T20 વર્લ્ડકપ 2026: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો
ભારતે ન્યુઝીલેન્ડને હરાવી સતત બીજી વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી T20 વર્લ્ડકપ 2026ની હાઈવોલ્ટેજ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી પછાડીને વિશ્વ વિજેતાનો તાજ પહેર્યો છે. આ જીત સાથે ભારતે ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે, કારણ કે કોઈપણ ટીમ અત્યાર સુધી પોતાના જ દેશમાં T20 વર્લ્ડકપ જીતી શકી ન હતી. ભારત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બન્યો છે.
મેચની શરૂઆતમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સલામી બેટ્સમેન અભિષેક શર્મા અને સંજુ સેમસને પ્રથમ વિકેટ માટે માત્ર 9 ઓવરમાં 98 રનની તોફાની ભાગીદારી કરી હતી. અભિષેકે માત્ર 21 બોલમાં 52 રન ફટકાર્યા હતા. સંજુ સેમસને શાનદાર ફોર્મ જાળવી રાખતા 46 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 89 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જોકે તે સદી ચૂક્યો હતો. મધ્યમ ક્રમમાં ઈશાન કિશને પણ 25 બોલમાં 54 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ 8 બોલમાં 26 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 18 રન ઉમેર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી જેમ્સ નીશમે 3 વિકેટ ઝડપી હતી.
256 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણ હેઠળ દેખાઈ હતી. કિવી ઓપનર ટિમ સાઈફર્ટે 26 બોલમાં 52 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજી બાજુથી વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે ન્યુઝીલેન્ડના 7 બેટ્સમેનો ડબલ ડિજિટના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. કેપ્ટન મિચેલ સેન્ટનરે 43 રન બનાવીને હારને ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 19મી ઓવરમાં આખી ટીમ 159 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી, જ્યારે સ્પિનર અક્ષર પટેલે 3 મહત્વની વિકેટો લઈને કિવી બેટિંગ લાઈનની કમર તોડી નાખી હતી. T20 વર્લ્ડકપની ફાઈનલમાં રનની દ્રષ્ટિએ આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યા છે.
