
સુરેન્દ્રનગરના માંડવવનની ક્લાત્મક ગુફાઓ અને દીપડાઓ: અજંતા-ઈલોરાની યાદ
સુરેન્દ્રનગરનું માંડવવન: ચોટીલા-થાન વચ્ચે આવેલી અજંતા-ઇલોરા જેવી ક્લાત્મક ગુફાઓ અને દીપડાઓનું આવાસ, તપોભૂમિની યોગ્ય જાળવણી જરૂરી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાન વચ્ચે આવેલું માંડવવન તેની અદ્ભુત ક્લાત્મક ગુફાઓને કારણે ચર્ચામાં છે, જે પ્રવાસીઓને મહારાષ્ટ્રની પ્રખ્યાત અજંતા-ઇલોરાની ગુફાઓની યાદ અપાવે છે. ૧૭૭૫ હેક્ટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ માંડવવન વર્ષો પહેલા ઋષિમુનિઓની તપોભૂમિ રહ્યું છે.
આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા આ વન ઘટાટોપ હતું, પરંતુ હાલ યોગ્ય જાળવણીના અભાવે તે ઉજ્જડ જેવું લાગે છે, જોકે ચોમાસામાં તે સોળે કળાએ ખીલી ઉઠે છે. આ વનમાં લીમડો, પીપળો, વડ, જાંબુ જેવા એક લાખથી વધુ વૃક્ષો અને વિકરો, ગોખરુ જેવી ઔષધીય વનસ્પતિઓ આવેલી છે.
માંડવવનની બોર્ડર પર બાંડિયા બેલી અવાલિયા ઠાકર, મુનિ મુનિનું દેવળ, ઝરીયા મહાદેવ જેવા પુરાણોક્ત મંદિરો પણ આવેલા છે.
આ વન માત્ર તપોભૂમિ જ નહીં, પણ વન્યજીવ માટે પણ મહત્ત્વનું છે. આશરે ૩૬ કિલોમીટરના વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા, ઝરખ અને જંગલી સુવર જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. આ વિસ્તારને જૂનાગઢ બાદ બીજો દુર્લભ વિસ્તાર ગણવામાં આવે છે, જે તપસ્યા અને ભજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પ્રાચીન અને દુર્લભ વન્યજીવ આવાસની યોગ્ય જાળવણી થાય.

