
અમદાવાદ: બળેલું તેલ વેચતા ૨૭ ફૂડ એકમોને નોટિસ
અમદાવાદ: ખાદ્યતેલના નિકાલમાં બેદરકારી, ૨૭ એકમોને નોટિસ
અમદાવાદ શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન સમાચાર છે. તમે જે ફરસાણ કે જંકફૂડ આરોગો છો તે કેવા તેલમાં બને છે અને તે તેલનો નિકાલ કેવી રીતે થાય છે, તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગંભીર નોંધ લીધી છે. ફૂડ વિભાગની તપાસમાં ખુલ્લું પડ્યું છે કે શહેરના અનેક નામી ફરસાણ વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટ્સ FSSAI ના નિયમોને નેવે મૂકી રહ્યા છે.
નિયમ મુજબ, જે એકમોમાં દરરોજ ૫૦ લિટરથી વધુ તેલ વપરાય છે, તેમણે વપરાયેલું ખાદ્યતેલ (Used Cooking Oil) માત્ર બાયો-ફ્યુઅલ બનાવતી અધિકૃત એજન્સીઓને જ આપવું ફરજિયાત છે. પરંતુ તપાસમાં જણાયું કે શ્રી મહેતા સ્વીટ્સ, લિજ્જત ખમણ, અંબિકા દાળવડા, રાયપુર ભજીયા હાઉસ, ગ્વાલિયા સ્વીટ્સ અને ન્યુ ઓસવાલ જેવા ૨૭ જેટલા એકમો આ તેલ સાબુ બનાવતી કંપનીઓને વેચી મારતા હતા અથવા તેનો કોઈ હિસાબ રાખતા ન હતા.
આરોગ્ય નિષ્ણાતોના મતે, તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC)નું પ્રમાણ ૨૫ ટકાથી વધી જાય છે. આવું તેલ ખાવાથી હૃદયરોગ, લિવર ડેમેજ અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી.
તંત્ર દ્વારા આ તમામ ૨૭ એકમોને નોટિસ ફટકારીને સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેમણે હવેથી બળેલા તેલનો જથ્થો કોને આપ્યો તેનું રજીસ્ટર નિભાવવું પડશે અને સરકાર માન્ય એજન્સીને જ તેલ આપવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આકરા પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
