
પાલીતાણા: કબ્રસ્તાન વિકાસ માટે ૧૩ લાખ મંજૂર
પાલીતાણા: શક્તિસિંહ ગોહિલે ૧૩ લાખની ગ્રાન્ટ ફાળવી
પાલીતાણા શહેરમાં જનસુવિધાના કામોને વેગ આપવા માટે કોંગ્રેસ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પાલીતાણા મુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપતા કબ્રસ્તાનોના વિકાસ માટે પોતાની ગ્રાન્ટમાંથી કુલ રૂપિયા ૧૩ લાખની માતબર રકમ મંજૂર કરી છે.
આ સમગ્ર પ્રક્રિયામાં પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાની ભૂમિકા મહત્વની રહી હતી. તેમણે જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નંબર ૧માં આવેલા કબ્રસ્તાનોની સ્થિતિ સુધારવા માટે સાંસદ સમક્ષ સચોટ રજૂઆત કરી હતી. શક્તિસિંહ ગોહિલે આ રજૂઆતને તત્કાળ સ્વીકારીને ગ્રાન્ટ ફાળવવાનો આદેશ આપ્યો હતો.
કયા કામો માટે કેટલી રકમ? મંજૂર થયેલી ૧૩ લાખની ગ્રાન્ટનો ઉપયોગ નીચે મુજબ થશે: ૧. ઘાંચી જુમાત કબ્રસ્તાન: અહીં સંરક્ષણ દિવાલના બાંધકામ માટે રૂ. ૫ લાખ ફાળવાયા છે. ૨. ખોજા શિયા ઇસ્ના અશરી જમાત કબ્રસ્તાન: અહીં પેવર બ્લોક નાખવા તેમજ અન્ય ખૂટતી સુવિધાઓ માટે રૂ. ૫ લાખ વપરાશે. ૩. સુન્નતવલ જમાત કબ્રસ્તાન: અહીં પણ પેવર બ્લોકની કામગીરી માટે રૂ. ૩ લાખ મંજૂર થયા છે.
ગ્રાન્ટ મંજૂર થતાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ સમાજના આગેવાનોને મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શક્તિસિંહ ગોહિલ અને ઓમદેવસિંહ સરવૈયાની કામગીરીને બિરદાવી હતી. પાલીતાણાના જાહેર જીવનમાં આ ગ્રાન્ટની ફાળવણીને એક સકારાત્મક અને વિકાસલક્ષી પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
