
ભાવનગર યુનિવર્સિટીમાં ઇન્ટર્નશીપનો વિવાદ: NSUI લાલઘૂમ
NSUI ની માગ: સેમ-૬ ઇન્ટર્નશીપ રદ કરી અન્ય વિકલ્પ આપો
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (MKBU) ના સેમ-૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ઇન્ટર્નશીપનો નિયમ યુનિવર્સિટી અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદનું કારણ બન્યો છે. યુથ કોંગ્રેસના ગિરિરાજસિંહ વાળા અને NSUIના અભિજીતસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ આ મામલે કુલપતિને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે.
સમયની અછત અને ઉદ્યોગોનો અભાવ: NSUIની મુખ્ય દલીલ છે કે, યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષ અગાઉ નવી શિક્ષણ નીતિ (NEP) મુજબ અભ્યાસક્રમ દાખલ કરાયો હોવા છતાં ઇન્ટર્નશીપ અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં અત્યંત વિલંબ કરાયો છે. યુનિવર્સિટીનું નવું સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ આચાર્યોની બેઠક હજુ ૧ ડિસેમ્બરે બોલાવવામાં આવી છે. વળી, ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો કે કંપનીઓનો અભાવ છે.
આ સંજોગોમાં, સેમ-૬ જેવા કેરિયર માટે અગત્યના સેમેસ્ટરમાં હજારો વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ મેળવવી કસોટીરૂપ સાબિત થશે અને તેઓ હેરાન પરેશાન થશે. NSUIના નેતાઓએ આ વિલંબને યુનિવર્સિટીની બેદરકારી ગણાવી છે અને સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓને હેરાન કરવાનો એકમાત્ર એજન્ડા છે.
આંદોલનનો અલ્ટીમેટમ: NSUIએ યુનિવર્સિટી સત્તાધીશોને તાત્કાલિક પગલાં લેવા માટે અલ્ટીમેટમ આપ્યો છે. તેમની માંગણી છે કે ૧ ડિસેમ્બરની બેઠકમાં વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને ફરજિયાત ઇન્ટર્નશીપને બદલે તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અન્ય વૈકલ્પિક વિકલ્પ જાહેર કરવામાં આવે. જો આ માંગણી પૂરી નહીં થાય તો તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને યુનિવર્સિટી સામે ઉગ્ર અને વ્યાપક લડતનું મંડાણ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટીતંત્રની રહેશે.
