
વડોદરા પાલિકાએ સ્વચ્છતા ઝુંબેશમાં વસૂલ્યો લાખોનો દંડ
વડોદરા: સ્વચ્છતા અભિયાન હેઠળ 25 દિવસમાં 28.43 લાખનો દંડ વસૂલાયો
વડોદરા શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં ઉપર લાવવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના મહિનામાં પાલિકાએ કડક વલણ અપનાવતા માત્ર ૨૫ દિવસમાં ૨૮.૪૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ આંકડા દર્શાવે છે કે પાલિકા ગંદકી અને નિયમ ભંગ કરનારાઓ સામે કોઈ પણ જાતની બાંધછોડ કરવાના મૂડમાં નથી.
પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ૧ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં ગંદકી ફેલાવવી, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને રસ્તા પર બાંધકામનો કચરો નાખવા જેવા ગંભીર ઉલ્લંઘનો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે. સૌથી વધુ રકમ એટલે કે ૧૪.૩૯ લાખ રૂપિયા જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાત્રિના સમયે શહેરના બજારો અને મુખ્ય માર્ગો પર કરવામાં આવેલી નાઈટ ડ્રાઈવમાં ૪.૨૨ લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પણ ૩.૩૪ લાખનો દંડ વસૂલી કડક સંદેશ આપવામાં આવ્યો છે.
વડોદરાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી પણ ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જાહેર સ્થળોએ કચરો ફેંકતા ૨૪ લોકો કેમેરામાં કેદ થયા હતા, જેમને ઓળખી કાઢીને પાલિકાએ ૧૨,૨૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ માત્ર એક મહિના પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત રીતે નાઈટ ડ્રાઈવ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શહેરને પોતાનું ઘર સમજીને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે. જાહેરમાં કચરો ન ફેંકવો, ભીનો અને સૂકો કચરો અલગ રાખવો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવો એ વડોદરાના દરેક રહેવાસીની જવાબદારી છે. પાલિકાની આ કડક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નહીં પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે શિસ્ત લાવવાનો છે.
