Vadodara : ખેલ મહાકુંભ: વડોદરા સ્વિમિંગ ટીમની 58 પદકો સાથે સિદ્ધિ

Vadodara : ખેલ મહાકુંભ: વડોદરા સ્વિમિંગ ટીમની 58 પદકો સાથે સિદ્ધિ

Vadodara ખેલ મહાકુંભ : સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ સ્વિમિંગ સ્પર્ધામાં વડોદરાનો દબદબો

વડોદરાના સ્વિમિંગ ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. ખેલ મહાકુંભ 2025 ની સ્વિમિંગ સ્પર્ધાઓમાં વડોદરાના તરવૈયાઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરી કુલ 58 પદકો મેળવી શહેરનું નામ આખા રાજ્યમાં ઉજાગર કર્યું છે. 18 અને 19 જાન્યુઆરી, 2026 ના રોજ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરાએ 14 સુવર્ણ, 9 રજત અને 35 કાંસ્ય પદકો જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.

ટીમની આ નોંધપાત્ર સફળતામાં મુખ્યત્વે અઝિંક્યા સિંહે 4 ગોલ્ડ અને 1 સિલ્વર પદક જીત્યા હતા, જ્યારે અનુષ્યા કૈથવાસે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ફોરમ બ્રહ્મભટ્ટ, સૌમ્યા તિવારી અને ઓમ કદમે બબ્બે સુવર્ણ પદકો મેળવી સ્વિમિંગ ટ્રેક પર પોતાની ક્ષમતા બતાવી હતી. હર્ષ મહેશ્વરીએ પણ 1 ગોલ્ડ અને 1 સિલ્વર સહિત કુલ 5 પદકો જીત્યા હતા.

સ્પર્ધામાં માત્ર યુવા પ્રતિભા જ નહીં, પરંતુ અનુભવી તરવૈયાઓએ પણ દમ બતાવ્યો હતો. 40 વર્ષથી વધુ વયની પુરુષ કેટેગરીમાં કૃષ્ણકાંત રેએ બે સિલ્વર અને એક બ્રોન્ઝ પદક મેળવ્યા હતા. તેવી જ રીતે 60 વર્ષથી ઉપરની મહિલા કેટેગરીમાં લીલા ચૌહાને કાંસ્ય પદક જીતી સાબિત કર્યું કે રમત પ્રત્યેનો ઉત્સાહ ઉંમરનો મહોતાજ નથી. અન્ય વિજેતાઓમાં ભાવ્યા મહેતાએ બે રજત અને ત્રણ કાંસ્ય, જિનલ પિત્રોડાએ એક રજત અને ત્રણ કાંસ્ય પદક જીત્યા હતા. હાર્દી લાડાણી, હર્ષિલ વાઘ, મનદીપ સિંહ સંધા, નિરાલી ભલગામિયા અને રેનુંકા પાહુ સહિતના તરવૈયાઓએ કાંસ્ય પદકો મેળવી ટીમની સફળતામાં યોગદાન આપ્યું હતું.

આ ભવ્ય સફળતા પાછળ કોચ વિવેક સિંહ બોરલિયા અને કોચ કૃષ્ણ પંડ્યાની મહેનત અને સચોટ માર્ગદર્શન જવાબદાર છે. તેમની આયોજનબદ્ધ તાલીમ અને સતત પ્રોત્સાહનથી વડોદરાના ખેલાડીઓએ પાણીમાં પદકોની લહાણી કરી છે. ખેલ મહાકુંભમાં વડોદરાના ખેલાડીઓના આ નોંધપાત્ર દેખાવથી હવે વડોદરા ગુજરાતના સ્વિમિંગ હબ તરીકે મજબૂત રીતે ઉભરી આવ્યું છે. ખેલાડીઓની આ સિદ્ધિથી રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )