
વડોદરા: કીર્તિ મંદિર ખાતે મંડલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન
વડોદરામાં મહિલા દિવસ નિમિત્તે ભવ્ય મંડલા પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન
વડોદરા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના કલા જગતમાં એક નવું છોગું ઉમેરાયું છે. હેમિક આર્ટ સ્ટુડિયો દ્વારા આયોજિત “ધ સેક્રેડ સિમેટ્રી” મંડલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન આકૃતિ આર્ટ ગેલેરી, કીર્તિ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ૧૧૫મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિની સર્જનાત્મકતાને બિરદાવવા માટે જાણીતા કલાકાર હેમાલી શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું છે.
આ ગરિમાપૂર્ણ પ્રસંગે શહેરના અગ્રણી મહિલા તબીબો અને મહાનુભાવો ડૉ. સુનિતા શાહ, ડૉ. શાંતા સમર્થ સર્વૈયા, ડૉ. જાનવી પંડ્યા, ડૉ. લોપા શાહ અને ડૉ. પ્રીતી શાહ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોએ ગેલેરીની મુલાકાત લઈ મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા મંડલા આર્ટને નિહાળ્યું હતું. મંડલા કળા, જે તેની સચોટ ડિઝાઈન અને સમપ્રમાણતા માટે જાણીતી છે, તેને અહીં સંતુલન, શાંતિ અને જીવંતતાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવી છે.
હેમાલી શાહે જણાવ્યું હતું કે, મંડલા આર્ટ દ્વારા મહિલાઓ પોતાની આંતરિક લાગણીઓને અત્યંત સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે છે. આ પ્રદર્શનમાં ભાગ લેનારી અનેક મહિલા કલાકારોએ દિવસોની મહેનત બાદ આ કૃતિઓ તૈયાર કરી છે. પ્રદર્શનમાં મંડલાની વિવિધ શૈલીઓ અને રંગોનું મિશ્રણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વર્તુળાકાર ડિઝાઇનમાં છુપાયેલી સૂક્ષ્મતા કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.
આ પ્રદર્શન વડોદરાના નાગરિકો માટે ૭ માર્ચથી ૯ માર્ચ સુધી આકૃતિ આર્ટ ગેલેરી, કીર્તિ મંદિર ખાતે સવારે ૧૦:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે. મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ મહિલાઓના આત્મવિશ્વાસ અને કલા પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. વડોદરાના કલાપ્રેમીઓને આ પ્રદર્શનની મુલાકાત લઈ મહિલા કલાકારોના ઉત્સાહમાં વધારો કરવા અપીલ કરવામાં આવી છે.
