અટલદારા બ્રહ્માકુમારી કેન્દ્રમાં મહિલા ગૌરવ દિવસની ઉજવણી

અટલદારા બ્રહ્માકુમારી કેન્દ્રમાં મહિલા ગૌરવ દિવસની ઉજવણી

બ્રહ્માકુમારી અટલદારા કેન્દ્ર દ્વારા વડોદરાની ૨૬ મહિલાઓનું ભવ્ય સન્માન

વડોદરાના અટલદારા સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે “મહિલા ગૌરવ દિવસ” કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, આરોગ્ય, કલા અને સમાજસેવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ૨૬ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા સેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ. અરુણા બહેને આધ્યાત્મિક ગૂઢ રહસ્યો સમજાવતા કહ્યું કે, દેવીઓના આઠ હાથ એ વાસ્તવમાં આઠ દિવ્ય શક્તિઓનું પ્રતીક છે, જે દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં ધારણ કરવી જોઈએ. રાજયોગિની અમર દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું કે સશક્તિકરણની શરૂઆત આંતરિક પરિવર્તનથી થાય છે. સન્માનિત મહિલાઓમાં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, સુમનદીપ યુનિવર્સિટીના ડૉ. મેઘનાબેન જોશી, પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન શ્રીમલ અને મા શક્તિ ગરબા ગ્રુપના આરતીબેન ઠક્કર સહિતની અગ્રણીઓનો સમાવેશ થયો હતો.

સન્માનિત મહિલાઓએ સ્ત્રીના આત્મસન્માન અને માનસિક દ્રઢતાને સફળતાની ચાવી ગણાવી હતી. આરતીબેન ઠક્કરે મહિલાઓની બહુવિધ ભૂમિકાઓ વચ્ચે આધ્યાત્મિકતા અને મેડિટેશન દ્વારા માનસિક શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં બી.કે. શિવાની દીદીના પ્રેરણાદાયી વીડિયો સંદેશાએ પ્રેક્ષકોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. આ ઉપરાંત, આધુનિકતા અને ભારતીય સંસ્કૃતિના સમન્વય દ્વારા મહિલા સશક્તિકરણ કેવી રીતે સાધ્ય કરી શકાય તે વિષય પર એક પ્રભાવશાળી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

આમ, બ્રહ્માકુમારી અટલદારા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહેતા, નારી શક્તિને આધ્યાત્મિક માર્ગે વધુ મજબૂત બનાવવાનો એક ભગીરથ પ્રયાસ સાબિત થયો હતો. અંતમાં તમામ મહેમાનોને ઈશ્વરીય ભેટ અને પ્રસાદ આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )