
મહીસાગર: અકસ્માતગ્રસ્ત કારમાંથી ૩૮ લાખનું અફીણ મળ્યું
મહીસાગર: સ્કોર્પિયોમાંથી ૨૫૮ કિલો અફીણ અને પિસ્તોલ ઝડપાઈ
ગુજરાતમાં નશીલા પદાર્થોની ઘૂસણખોરી અટકાવવા તંત્ર સતર્ક છે, ત્યારે મહીસાગર જિલ્લામાં કુદરતે જ પોલીસની મદદ કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. કોઠંબા પોલીસ સ્ટેશન હદમાં થયેલા એક સામાન્ય અકસ્માતે ડ્રગ્સ માફિયાઓના મોટા કારસોનો પર્દાફાશ કરી દીધો છે.
મહીસાગર જિલ્લાના નમનાર ગામના પાટિયા નજીક હાઈવે પર રાત્રિના સમયે એક સફેદ રંગની સ્કોર્પિયો કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. ૧૧૨ પોલીસ વાનને જાણ થતા ટીમ મદદ માટે પહોંચી હતી. પરંતુ ત્યાં જઈને જોયું તો ડ્રાઈવર ગાયબ હતો અને ગાડીમાં શંકાસ્પદ કોથળા પડેલા હતા. પોલીસે તપાસ કરતા આંખો પહોળી થઈ ગઈ હતી, કારણ કે તેમાંથી ૨૫૮.૬૦ કિલોગ્રામ અફીણના જીંડવા (પોષડોડા) મળી આવ્યા હતા.
હથિયારો પણ મળ્યા: આ ગાડીમાં માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ એક દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આરોપીઓ કેટલા ખતરનાક ઈરાદા સાથે નીકળ્યા હતા. પોલીસે ૩૮.૭૯ લાખનું અફીણ, ૧૦ લાખની ગાડી અને હથિયારો મળી કુલ ૪૮.૮૪ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
જિલ્લા પોલીસ વડા સફીન હસન અને ડીવાયએસપી કમલેશ વસાવાની સૂચનાથી હવે આ કેસની તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપવામાં આવી છે. હાલ કોઠંબા પોલીસે NDPS એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સવાલ એ છે કે આટલો જંગી જથ્થો ગુજરાતમાં ક્યાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો? હાલ તો અકસ્માત સર્જીને ભાગી ગયેલા ચાલકની શોધખોળ તેજ કરવામાં આવી છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
