
VMCનું ‘વોટર પ્લસ સિટી’ વિઝન: ₹૧૨૦૦ કરોડના ખર્ચે STP પ્રોજેક્ટ્સ દ્વારા વિશ્વામિત્રીને દૂષણમુક્ત કરવાની કવાયત
વડોદરાને વોટર પ્લસ સિટી બનાવવાનું વિઝન: VMC દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પર ₹૧૨૦૦ કરોડનો જંગી ખર્ચ, ૯૮૭ MLD ક્ષમતા
વડોદરા. વડોદરા મહાનગરપાલિકા (VMC) એ ૨૦૫૦ સુધીમાં ૫૪ લાખની વસ્તી માટે સુએજ વ્યવસ્થાપનની પાયાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ₹૧૨૦૦ કરોડના ખર્ચે STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્રોજેક્ટ્સનો મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ NGTની ગાઇડલાઇનનું પાલન કરીને વિશ્વામિત્રી નદી અને તળાવોમાં છોડાતા દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.
VMC એ છેલ્લા પાંચ વર્ષમાં કપુરાઈ, ભાઈલી, છાણી, વેમાલી, અટલાદરા અને તરસાળી સહિત ૬ નવા STP ₹૬૦૬ કરોડના ખર્ચે બનાવ્યા છે. ઉપરાંત, સિરખી, ગાજરાવાડી, ઉડેરા અને ભાદરવા સહિત ૪ STP લગભગ ₹૫૯૦.૫૦ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. જૂના STPના અપગ્રેડેશન માટે પણ ₹૩૦૦ કરોડનું આયોજન છે.
આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં શહેરની કુલ સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા ૯૮૭ MLD જેટલી થઈ જશે, જે ૨૦૫૦ની વસ્તીના અંદાજિત સુએજ (૯૯૭ MLD) ને પહોંચી વળવા સક્ષમ છે. આ આયોજન આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
વધુમાં, VMC સર્ક્યુલર ઇકોનોમી પર ભાર આપી રહ્યું છે. રાજીવનગર, છાણી અને સિરખી STPનું ટ્રીટેડ વેસ્ટ વોટર IOCL, GSFC, GSEL અને GIPCL જેવી કંપનીઓને વેચવામાં આવશે, જેનાથી વાર્ષિક ₹૪૫ કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. વડોદરાને સાચા અર્થમાં ‘વોટર પ્લસ સિટી’ બનાવવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે.
