
શૈક્ષણિક સત્ર :દિવાળી વેકેશન પૂર્ણ: આવતીકાલથી દ્વિતીય સત્ર શરૂ
દિવાળી વેકેશન પૂર્ણ: આવતીકાલથી દ્વિતીય સત્ર શરૂ
રાજકોટ/ગાંધીનગર. શૈક્ષણિક સત્ર ગુજરાત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું લાંબુ દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે.
શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ, આ વેકેશન (તા. 16 ઓક્ટોબરથી) પૂર્ણ થતાં આવતીકાલથી દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટી ભવનો અને કોલેજોમાં આ સત્રનો પ્રારંભ તા. 7મી નવેમ્બર, શુક્રવારથી થશે શૈક્ષણિક સત્ર.
દ્વિતીય સત્રના પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓ ફરી એકવાર નવી આશા, અરમાનો અને ઉમંગ સાથે અભ્યાસમાં જોડાશે. શાળાઓમાં નાના ભૂલકાઓ ફરી એકવાર વેકેશન દરમિયાન કરેલા પ્રવાસ અને પ્રવૃત્તિઓની વાતો તેમના સહઅધ્યાયીઓ અને ગુરુજનો સાથે વાગોળશે.
આ સાથે જ, વાલીઓ માટે પણ બાળકોને લેવા-મૂકવાની દૈનિક જવાબદારી અને સ્કૂલ બસ તથા રિક્ષાઓની ધમધમાટ ફરી શરૂ થશે.
અહીં નોંધવું જરૂરી છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવામાં આવનાર છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ સહિતની કેટલીક ખાનગી શાળાઓએ તો વેકેશન દરમિયાન પણ આ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો શરૂ કરી દીધા હતા,
જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં પાછળ ન પડે. હવે સત્તાવાર રીતે દ્વિતીય સત્ર શરૂ થતાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે હવે મહેનતનો સમય આવી ગયો છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
