
વડોદરા કૌભાંડ: સહાયની લાલચે 50 લાખનું સાયબર ફ્રોડ કૌભાંડ
વડોદરા કૌભાંડ રિટર્ન ગિફ્ટમાં ઠગાઈ: 12 ખાતા દ્વારા 50 લાખનું કૌભાંડ
વડોદરા કૌભાંડ :વડોદરામાં આચરવામાં આવેલું સાયબર ફ્રોડનું નવું પ્રકરણ અત્યંત આઘાતજનક અને ચિંતાજનક છે. સરકારી સહાયના નામે છેવાડાના માનવીને છેતરીને તેમના બેંક ખાતાનો ઉપયોગ ₹50 લાખના કૌભાંડ માટે કરવો એ શાસક પક્ષની કાયદો-વ્યવસ્થા જાળવવાની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. નિતીન રાજપૂત અને હની સિંધી જેવા અસામાજિક તત્વોએ જે રીતે સિસ્ટમની ખામીઓનો લાભ લીધો છે, તે જોતા લાગે છે કે ‘ડિજિટલ સુરક્ષા’ માત્ર સ્લોગન પૂરતી સીમિત છે.
માત્ર ₹2500ની લાલચ આપીને 12 જેટલા મ્યૂલ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા. ગરીબ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમના ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ દ્વારા ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખાતા ખોલાવી, ઠગોએ તેમની પાસેથી પાસબુક અને એટીએમ કાર્ડ પડાવી લીધા. આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ છે કે, આટલી બધી ચેકબુક અને એટીએમ કીટ બીજાના નામે હોવા છતાં ઠગો તેનો ઉપયોગ કરી રહ્યા હતા, છતાં બેંકિંગ મોનિટરિંગ સિસ્ટમ કેમ નિષ્ફળ રહી? નવેમ્બર અને ડિસેમ્બરના ટૂંકા ગાળામાં ₹50.01 લાખના ટ્રાન્ઝેક્શન થઈ ગયા અને છેલ્લે એનસીઆરપી પોર્ટલની ફરિયાદો બાદ જ તંત્ર હરકતમાં આવ્યું.
આ સાયબર માફિયાઓ એટલા બેફામ છે કે તેઓ જાહેરમાં ભૂતડીઝાપાથી સીમ કાર્ડ લેવડાવતા અને બેંકની નીચે ઉભા રહીને જાળ બિછાવતા હતા. શું આણંદ અને વડોદરાના માર્ગો પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી? જો સામાન્ય જનતાના નામે સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થતા હોય અને પોલીસ માત્ર ફરિયાદો નોંધાયા પછી જ જાગતી હોય, તો પ્રિવેન્ટિવ એક્શન જેવું કંઈ છે કે નહીં? આ કૌભાંડ એ વડોદરાના વહીવટી તંત્રના મોઢા પર કાળી ટીલી છે. ગરીબોને સહાય મળવી તો દૂરની વાત છે, પણ તેમના નામે ગુનાખોરીનું મોટું સામ્રાજ્ય ઉભું થઈ ગયું. જો આ ઠગો સામે કડક પગલાં નહીં લેવાય, તો ગુજરાતમાં ‘ડિજિટલ ઠગાઈ’ ઘર-ઘર સુધી પહોંચી જશે.
