
P.N. ગાડગીલ જ્વેલર્સ ચોરી: કાનપુરની મહિલા આરોપી ઝડપાઈ
વડોદરા: P.N. ગાડગીલ જ્વેલર્સમાંથી ₹૧૦ લાખથી વધુની સોનાની બંગડીઓની ચોરીનો ભેદ ઉકેલાયો; કાનપુરની ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલા ઝડપાઈ, ત્રણ વોન્ટેડ
વડોદરા: વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક સનસનાટીભર્યા કેસમાં સફળતા મેળવી છે, જેમાં અલકાપુરી વિસ્તારના પી.એન. ગાડગીલ એન્ડ સન્સ લિમીટેડ જ્વેલર્સના શોરૂમમાંથી ₹૧૦ લાખથી વધુ કિંમતની સોનાની બંગડીઓની ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય મહિલા આરોપી, જેનો પૂર્વેનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના અન્ય ત્રણ સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગુનાની વિગત
ગઇ તા. ૦૮/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના આશરે ૧.૧૫ થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે, વડોદરા શહેરના અલકાપુરી જેતલપુર રોડ ખાતે આવેલ પી.એન. ગાડગીલ જ્વેલર્સનાં શોરૂમમાં ત્રણ મહિલા ગ્રાહકો પ્રવેશ્યા હતા. આ ત્રણ મહિલાઓમાંથી એક મહિલાએ શોરૂમના કાઉંટર પર મૂકેલ પ્લાસ્ટિકના પાઉચમાં પેક કરેલ આઠ સોનાની બંગડીઓની ચોરી કરી હતી. આ બંગડીઓનું કુલ વજન ૭૭.૩૪૦ ગ્રામ હતું અને તેની કુલ કિંમત ₹૧૦,૦૧,૦૭૬/- આંકવામાં આવી હતી. ચોરી કરનાર મહિલાએ આ બંગડીઓ પોતાની બેગમાં છુપાવી હતી, અને ત્યારબાદ ત્રણેય મહિલાઓ એકબીજાની મદદગારીથી ગુનો કરીને સ્થળ પરથી નાસી છૂટી હતી.
આ ઘટના અંગે તા. ૦૯/૧૦/૨૦૨૫ ના રોજ અકોટા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૫૦૦૩૯૧/૨૦૨૫ હેઠળ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૧) અને ૫૪ અન્વયે ત્રણ અજાણી મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ
આ ગુનો ₹૧૦ લાખથી વધુ કિંમતની ચોરીનો હોવા છતાં, તે અનડિટેક્ટ હતો. આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ અને અધિક પોલીસ કમિશનર શ્રી ડો. લીના પાટીલ સાહેબ તરફથી સૂચનાઓ મળેલ હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા સાહેબ તથા ઇન્ચાર્જ એ.સી.પી. શ્રી ડી.જે. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ કીમતી બંગડીઓની ચોરી કરનાર મહિલાઓની સતત શોધ ચલાવી.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાની દોરવણી હેઠળ પો. સબ. ઇન્સ. કે.ડી. રાઠોડ અને તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સતત તપાસ કરી. આ તપાસમાં બહાર આવ્યું કે આ ચોરીના ગુનામાં સંજુ w/o રવિન્દ્ર ગજોધર ગુપ્તા (રહે. કાનપુર) અને તેની સાથે અન્ય ત્રણ મહિલાઓ સંડોવાયેલી હતી.
આરોપીની ધરપકડ અને કબૂલાત
આરોપી મહિલાઓને શોધી કાઢવા અને અન્ય ચોરીના ગુનાઓ ન બને તેની તકેદારી રાખવા માટે શહેર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન ટીમને બાતમી મળી કે, સોનાની બંગડીઓની ચોરીમાં સંડોવાયેલ આરોપી મહિલા સંજુ w/o રવિન્દ્ર ગજોધર ગુપ્તા (રહે. કાનપુર) વડોદરા શહેરમાં ફરીવાર ચોરી કરવાના ઇરાદે આવેલી છે અને હાલમાં તે લલિતા ટાવર સામે, જેતલપુર ખાતે ઉભેલી છે.
આ માહિતી મળતા જ, મહિલા પોલીસ સાથે રાખીને ટીમે તુરંત જ લલિતા ટાવર સામે, જેતલપુર ખાતે જઇ તપાસ કરતા, માહિતી મુજબની શંકાસ્પદ મહિલા મળી આવી હતી. પૂછપરછમાં આ મહિલાએ પોતાનું નામ સંજુ w/o રવિન્દ્ર ગજોધર ગુપ્તા, ઉં.વ. ૪૦, રહે. ઝરોલી ફૈઝ-ટુ, સરદાર પટેલ એકેડેમી પાસે, થાના- ગુંજૈની, કાનપુર, ઉત્તર પ્રદેશ રાજ્યની હોવાનું જણાવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં, આરોપી મહિલા સંજુ ગુપ્તાએ ૦૮/૧૦/૨૦૨૫ ના રોજ તેના ત્રણ સાગરીતો સાથે મળીને પી.એન. ગાડગીલ જ્વેલર્સ ખાતેથી આઠ સોનાની બંગડીઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી. તેના ત્રણ સાગરીતોના નામ આ મુજબ છે:
- (૧) પ્રાચી ઉર્ફે પૂજા પ્રશાંત તિવારી (રહે. કાનપુર, ઉત્તપ્રદેશ)
- (૨) અર્ચના મહેશકુમાર સિંહ (રહે. કાનપુર, ઉત્તપ્રદેશ)
- (૩) સોની કમલ (રહે. કાનપુર, ઉત્તપ્રદેશ)
સંજુ ગુપ્તાની ધરપકડ થતાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ થયો છે. આરોપી મહિલાને ગુનાની વધુ તપાસ માટે અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી મહિલા સંજુ w/o રવિન્દ્ર ગજોધર ગુપ્તાનો ગુનાહીત ઇતિહાસ પણ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તે અગાઉ પણ ઉત્તર પ્રદેશ રાજ્યના ચિત્રકૂટ ખાતે જ્વેલર્સની દુકાનમાં સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં પકડાયેલ હતી.
દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
