
વડોદરા કોર્ટ અને સ્કૂલને બોમ્બની ધમકીથી ફફડાટ
વડોદરા કોર્ટ અને કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બની ધમકી: તપાસ શરૂ
બોમ્બની ધમકી : વડોદરા શહેરમાં આજે સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી બે મોટી ઘટનાઓ સામે આવી છે. દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને મકરપુરા એરફોર્સ સ્ટેશનમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળતા હજારો લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. એક જ મહિનામાં કોર્ટને બીજી વખત નિશાન બનાવવાની ધમકી મળતા પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી છે.
સવારે કોર્ટમાં કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને ધમકીની જાણ થઈ હતી. વડોદરા વકીલ મંડળના સેક્રેટરી રીતેશ ઠક્કરે તાત્કાલિક તમામ વકીલો અને પક્ષકારોને કેમ્પસ બહાર નીકળી જવા વિનંતી કરી હતી. વકીલ નીરજ જૈને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અંદાજે ૫૦,૦૦૦ લોકોને અસર કરતી આ ગંભીર બાબત છે અને સાયબર વિભાગે તાત્કાલિક ઈ-મેઈલ કરનારને જેર કરવો જોઈએ. વકીલ રણજીતસિંહ રાઠોડે પણ તંત્રની નિષ્ફળતા સામે સવાલ ઉઠાવ્યા હતા કે અગાઉની ધમકી બાદ પણ આરોપીઓ પકડાયા કેમ નથી.
બીજી તરફ, મકરપુરા કેન્દ્રીય વિદ્યાલયમાં પણ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. વકીલ નિમિષા ધોતરે આ ઘટનાને ચૂંટણીમાં વકીલોને ડરાવવાની ચાલ ગણાવી છે, જ્યારે વકીલ રસિક ભીમડાએ તેને ન્યાયતંત્ર પરનો હુમલો ગણાવ્યો છે. પોલીસે હાલમાં આખી કોર્ટ અને સ્કૂલ પરિસરને સીલ કરીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી વડોદરા પોલીસ કોઈ કસર છોડવા માંગતી નથી. સાયબર ક્રાઈમની ટીમ આ આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક કાવતરું છે તે દિશામાં તપાસ કરી રહી છે.
