
વડોદરા: ૩ કરોડના બિલ બાકી, સિટી બસ સેવા બંધની ચીમકી
વડોદરા સ્માર્ટ સિટીનો ફિયાસ્કો: ૧ જાન્યુઆરીથી સિટી બસ સેવા બંધ થવાની ભીતિ
વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાના દાવા કરનારા સત્તાધીશોના ગાલ પર વધુ એક તમાચો વાગ્યો છે. શહેરની જીવાદોરી સમાન સિટી બસ સેવા ૧ જાન્યુઆરીથી બંધ થવાના આરે છે. ૨૦૧૭થી કાર્યરત વિનાયક લોજિસ્ટિક એજન્સીના નવેમ્બર મહિનાના અંદાજે ૩ કરોડના બિલ વડોદરા સ્માર્ટ સિટી તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યા છે. પરિણામે, એજન્સીએ નોટિસ ફટકારી ચીમકી આપી છે કે જો પેમેન્ટ નહીં મળે તો ૧૬૦ બસોના પૈડાં થંભાવી દેવામાં આવશે.
આ મામલો શાસકોની નીતિ અને દાનત પર સવાલ ઉઠાવે છે. એજન્સીના જણાવ્યા મુજબ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બંધ થયો હોવાનું કહીને ફાઈલો કોર્પોરેશનમાં ધકેલી દેવાઈ છે. આ ખેંચતાણમાં ૫૫૦ કર્મચારીઓનો પગાર ૨૦ તારીખ વીતી જવા છતાં થયો નથી. કર્મચારીઓમાં ભારે રોષ છે અને એજન્સી આર્થિક ભીંસમાં છે. બીજી તરફ, રોજના ૮૦ હજારથી વધુ મુસાફરો, જેમાં વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને મધ્યમ વર્ગ સામેલ છે, તેમનું ભાવિ અંધકારમય બન્યું છે.
સ્માર્ટ સિટીના CEO અને DYMC વી.એમ. રાજપૂતે ઠાવકાઈથી કહ્યું કે ઠરાવ થઈ ગયો છે અને પેમેન્ટ પ્રોસેસમાં છે, પરંતુ પ્રશ્ન એ છે કે ડિસેમ્બરના અંત સુધી નવેમ્બરનું બિલ કેમ ન ચૂકવાયું? શું તંત્ર જનતાની સુવિધા કરતા કાગળીયાઓને વધુ મહત્વ આપે છે? જ્યારે જાન્યુઆરીથી બસો બંધ થશે, ત્યારે રિક્ષાવાળાઓની લૂંટફાટનો ભોગ સામાન્ય વડોદરાવાસી બનશે. સ્માર્ટ સિટીના નામે કરોડોનો ધુમાડો કરનારા શાસકો એક બસ સેવા પણ ટકાવી શકતા નથી, તે વડોદરાના કમનસીબ છે. જો ૧લી તારીખે બસો બંધ થઈ, તો તે માત્ર એક કંપનીની હડતાળ નહીં પણ ભાજપ શાસિત પાલિકાની નૈતિક અને વહીવટી હાર ગણાશે. શું મેયર અને કમિશનર આ ૮૦ હજાર મુસાફરોની જવાબદારી સ્વીકારશે?
