
વડોદરામાં ખેલ મહાકુંભ 2025ની એથ્લેટિક્સ સ્પર્ધાઓ
વડોદરા ખેલ મહાકુંભ 2025: માંજલપુરમાં એથ્લેટિક્સ ઇવેન્ટ
વડોદરા: રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના આયોજન અને વડોદરા મહાનગરપાલિકા સંચાલન હેઠળ ખેલ મહાકુંભ 2025ની એથ્લેટિક્સ કોમ્પિટિશન નો ભવ્ય પ્રારંભ આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થયો. પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બાળકોોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ સ્પર્ધાઓમાં 30 મીટર, 50 મીટર, 100 મીટર, 400 મીટર, 600 મીટર અને 800 મીટર દોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જુદી જુદી ઉંમર અને કેટેગરી પ્રમાણે ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું. સ્પર્ધામાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્થાન મેળવનાર બાળકોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જેનાથી બાળકોમાં રમતગમત પ્રત્યે વધુ ઉત્સાહ વધ્યો છે.
મોટી સંખ્યામાં વાલીઓ અને વિવિધ શાળાઓના પીટી શિક્ષકો પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા. સ્પર્ધા દરમ્યાન બાળકોની દોડવાની કુશળતા, ટેકનિક અને શારીરિક ફિટનેસને જોતા સમગ્ર સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
કન્વીનર સાજીદ મન્સૂરીએ માહિતી આપતા જણાવ્યું કે ખેલ મહાકુંભનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રમતગમતની ભાવના વધારવાનો છે, તેમજ રાજ્ય સ્તરે નવા ટેલેન્ટને આગળ લાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવી સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા મળે છે.
વડોદરા શહેર ખેલ મહાકુંભ 2025ના આગામી તબક્કાની સ્પર્ધાઓ આગામી દિવસોમાં શહેરના વિવિધ સ્થળોએ યોજાશે.
રીપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
