
રાજકોટ જન્મ-મરણ દાખલા વિવાદ: કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર
રાજકોટ જન્મ-મરણ દાખલા વિવાદ: કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર પ્રહાર કર્યા
રાજકોટ જન્મ-મરણ: રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના સ્પષ્ટ બહુમતીવાળા શાસન છતાં લોકોને સરકારી કામોમાં પડતી હાલાકી અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, બે સાંસદો, ચાર ધારાસભ્યો અને 68 ભાજપના કોર્પોરેટરો હોવા છતાં, રાજકોટની જનતાને જન્મ-મરણના દાખલા કઢાવવા માટે કલાકો સુધી “તપ” કરવું પડે છે.
જાડેજાએ જણાવ્યું કે, મનપા ચૂંટણી સમયે ભાજપે ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ અને પાણી વિતરણ સહિતના અનેક વચનો આપ્યા હતા, પરંતુ આજે પાંચ વર્ષ બાદ પણ પરિસ્થિતિ દયનીય છે. લોકો કામ-ધંધા મૂકીને લાઈનોમાં ઊભા રહે છે, અને બેઠક વ્યવસ્થાના અભાવે નીચે બેસવા મજબૂર છે. તેમણે ખાસ કરીને જન્મ-મરણ વિભાગ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસની નીચે જ હોવા છતાં પદાધિકારીઓનું ‘પેટનું પાણી ન હલતું’ હોવાનો વ્યંગ કર્યો હતો.
કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, સમસ્યાનું મૂળ કારણ જન્મ-મરણ વિભાગમાં અપૂરતો સ્ટાફ છે, જેના પગલે કામકાજ ધીમું પડ્યું છે. વળી, સરકારો વચ્ચે સંકલનના અભાવે વખતો વખત કનેક્ટિવિટી બંધ, સર્વર ડાઉન અને નેટવર્કમાં ખામી જેવી ટેકનિકલ સમસ્યાઓ લોકોને હાલાકી આપી રહી છે, જ્યારે તંત્રના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયા છે.
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ અફડાતફડીનો માહોલ દૂર થાય અને શહેરીજનોને તાત્કાલિક રાહત મળે. જાડેજાએ અંતમાં કટાક્ષ કર્યો હતો કે હવે લાંબી લાઈનો નહીં લાગે તેમ કહીને ફોટો સેશન કરનારા પદાધિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
