
UPSC પરિણામ: સુરતની સંસ્થાના બે વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા
સુરતની સંસ્થાના બે વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા
સુરત: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામ જાહેર થતા સુરતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની બૂબનાઝ IAS સંસ્થાના બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રેન્ક મેળવી ભવ્ય સફળતા હાંસલ કરી છે. આ વિદ્યાર્થીઓએ વર્ષોના સંઘર્ષ અને અવિરત મહેનત બાદ આ મુકામ હાંસલ કર્યો છે.
બૂબનાઝ IAS ના સંચાલક કૌશલ બૂબનાએ જણાવ્યું કે, તન્મય નામના વિદ્યાર્થીએ 229મો રેન્ક મેળવ્યો છે. IIT ખડગપુરથી કેમિકલ એન્જિનિયરિંગ કરનાર તન્મય માટે આ છઠ્ઠો પ્રયાસ હતો અને તેમને IPS કેડર મળવાની પ્રબળ સંભાવના છે. બીજી તરફ, ડો. કિશન રામે 474મો રેન્ક મેળવ્યો છે. ડો. કિશનની જર્ની શૂન્યમાંથી સર્જન સમાન છે. તેઓ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદથી MD ફિઝિયોલોજી થયેલા છે. ખેડૂત પરિવારના આ યુવાને પાંચમા પ્રયાસે સફળતા મેળવી છે.
ડો. કિશને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, “આ પાંચ પ્રયત્નોમાં મેં ઘણી નિષ્ફળતાઓ જોઈ છે. બે વાર પ્રિલિમ્સમાં CSAT ને કારણે તો ક્યારેક મેઈન્સમાં અટવાયો હતો. નિષ્ફળતા વખતે લાગે કે આ મૂકી દઉં, પણ પછી મેં મારા લક્ષ્ય પર ફોકસ કર્યું.” તેમના પિતા માત્ર પાંચ ધોરણ અને માતા નવ ધોરણ ભણેલા છે, પરંતુ તેમણે કિશનના દરેક નિર્ણયમાં વિશ્વાસ મૂક્યો હતો. કિશને જણાવ્યું કે તેમનું સપનું સમાજ માટે શ્રેષ્ઠ સેવા કરવાનું છે.
કૌશલ બૂબનાએ ઉમેર્યું કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી માત્ર ૧૦૦૦ ઉમેદવારો જ સફળ થાય છે. સુરતની સંસ્થામાંથી બે વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી તે શહેર માટે ગૌરવની વાત છે. આ સફળતા એ વાત પુરવાર કરે છે કે જો સાચું માર્ગદર્શન અને અટલ મનોબળ હોય તો કોઈપણ મુશ્કેલ પરીક્ષા પાસ કરી શકાય છે.
