વડોદરા: આજવા ચોકડી પાસે આઇસરની અડફેટે યુવતીનું કરુણ મોત

વડોદરા: આજવા ચોકડી પાસે આઇસરની અડફેટે યુવતીનું કરુણ મોત

વડોદરા: આજવા રોડ પર અકસ્માતમાં યુવતીનું કમકમાટીભર્યું મોત

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી આજવા ચોકડી પાસે આજે સવારે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક આઇસર ટેમ્પોએ બાઇક સવાર સસરા-પુત્રવધૂને અડફેટે લેતા ૩૧ વર્ષીય પ્રિન્સા કુંદન પરમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. પ્રિન્સા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને તેના સસરા, જેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમને યુનિવર્સિટી મૂકવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

અકસ્માતની આ ઘટનાએ પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાઓની પોલ ખોલી નાખી છે. મૃતકના ભાઈએ અત્યંત દુઃખ અને રોષ સાથે જણાવ્યું કે, સવારે ૯ વાગ્યા પછી ભારે વાહનો માટે શહેરમાં નો-એન્ટ્રી હોય છે, તેમ છતાં આ આઇસર ટેમ્પો ત્યાંથી બેરોકટોક પસાર થઈ રહ્યો હતો. અકસ્માત બાદ પરિવારનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સ કલાક-દોઢ કલાક મોડી આવી હતી. ત્યાં સુધી પ્રિન્સાનો લોહીલુહાણ મૃતદેહ રસ્તા પર જ ખુલ્લો પડ્યો રહ્યો હતો, જેના પર માખો બણબણતી હતી. પરિવારે સવાલ ઉઠાવ્યો હતો કે આટલા પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં નો-એન્ટ્રીમાં વાહનો કેવી રીતે ઘૂસે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ કેમ સમયસર મળતી નથી?

પ્રિન્સાના અંગત જીવનની વાત કરીએ તો, થોડા સમય પહેલા જ તેના દિયરના લગ્ન થયા હતા અને તેનો પતિ હાલ નોકરી અર્થે દુબઈ રહે છે. પતિની ગેરહાજરીમાં આટલી મોટી દુર્ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ છે. સયાજી હોસ્પિટલમાં જ્યારે મૃતદેહ લાવવામાં આવ્યો ત્યારે પરિવારજનોના આક્રંદથી પથ્થર હૃદયના માનવી પણ પીગળી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી આઇસર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ વડોદરાના રસ્તાઓ પર નિર્દોષ નાગરિકોની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )