જે પેપરમાં આવે તે પાર્ટીમાં ન આવે: રસિક પ્રજાપતિના પ્રહાર

જે પેપરમાં આવે તે પાર્ટીમાં ન આવે: રસિક પ્રજાપતિના પ્રહાર

વડોદરા ભાજપમાં ભડકો: રસિક પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન

વડોદરા: વડોદરા ભાજપમાં સત્તાના નશામાં નેતાઓ હવે મર્યાદા ભૂલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ અને યુવા મોરચાના અધ્યક્ષ ડો. હેમાંગ જોષીના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં અચાનક રાજકીય ગરમાવો આવી ગયો હતો. સન્માન સ્વીકાર્યા બાદ રસિક પ્રજાપતિએ જે નિવેદનો કર્યા છે, તેણે પક્ષની શિસ્ત અને એકતાના દાવાઓની પોલ ખોલી નાખી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રસિક પ્રજાપતિ પક્ષના જ નેતાઓ અને કોર્પોરેટરોને નિશાન બનાવતા સાંભળવા મળે છે. તેમણે કહ્યું કે, “મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે.” આ નિવેદન દ્વારા તેમણે એવા નેતાઓ પર પ્રહાર કર્યા છે જેઓ લોકપ્રશ્નો ઉઠાવી મીડિયામાં ચર્ચામાં રહે છે. જાણે પક્ષ હવે જનતા વચ્ચે રહેતા નેતાઓ કરતા પડદા પાછળની ગોઠવણો કરનારાઓને વધુ મહત્વ આપવા માંગતો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ટિપ્પણીથી વડોદરાના એવા નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેઓ જમીની સ્તર પર કામ કરી રહ્યા છે.

વાત માત્ર મીડિયા સુધી મર્યાદિત ન રહી, તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ સીધી ધમકી આપી દીધી. વર્તમાન કોર્પોરેટરોને સંબોધીને તેમણે કહ્યું કે, “કોર્પોરેટરોને ૫ વર્ષ આપ્યા છે, હવે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની જવાબદારી તમારી છે.” આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી ચૂંટણીમાં અનેક જૂના અને લોકપ્રિય ચહેરાઓના પત્તા કાપવાની પેરવી થઈ રહી છે. કાર્યકરો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે પક્ષ ભલે કોઈ બિનઅનુભવી કે અણગમતા વ્યક્તિને ટિકિટ આપે, પણ તેમણે શિસ્તના નામે તેને જીતાડવો જ પડશે.

જ્યારે લોકશાહીમાં પ્રતિનિધિઓની પસંદગી જનતા અને કાર્યકરોની ઈચ્છા મુજબ થવી જોઈએ, ત્યારે ભાજપના મોવડીમંડળ દ્વારા આ પ્રકારે ‘ફરમાન’ બહાર પાડવું તે પક્ષની આંતરિક તાનાશાહીની નિશાની છે. વડોદરાના સાંસદ અને શહેરના ટોચના નેતાઓની હાજરીમાં જ આ પ્રકારના નકારાત્મક નિવેદનો થવા તે દર્શાવે છે કે ભાજપમાં હવે આંતરિક લોકશાહી ખતમ થઈ રહી છે અને જૂથવાદ ચરમસીમાએ છે. આગામી દિવસોમાં આ વિવાદ વડોદરા ભાજપમાં મોટા આંતરિક બળવાનું સ્વરૂપ લે તો નવાઈ નહીં.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )