
મોંઘવારી: શાકભાજી ના ભાવ આસમાને, બજેટ ખોરવાયું
શિયાળામાં શાકભાજી મોંઘા: ગુવાર-વટાણા ૧૦૦ને પાર, ગૃહિણી પરેશાન
શિયાળાની શરૂઆત થતાં જ સ્વાસ્થ્યવર્ધક લીલા શાકભાજી ખાવાની આશા રાખતા નાગરિકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. એક મહિના પહેલા થયેલા કમોસમી વરસાદે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ બનાવતા તેની સીધી અસર બજાર ભાવ પર જોવા મળી રહી છે. હાલ યાર્ડમાં લોકલ શાકભાજીની આવક તળિયે બેસી ગઈ છે, જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે.
વેપારીઓને માંગ પૂરી કરવા માટે બહારના રાજ્યો પર નિર્ભર રહેવું પડ્યું છે. હાલ મહારાષ્ટ્રથી મરચાં અને ટામેટા, કર્ણાટકથી ભીંડો અને મધ્યપ્રદેશથી વટાણાની આવક થઈ રહી છે. બહારથી આવતા શાકભાજી પર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા અને બગાડ થતા ભાવ ઊંચા જઈ રહ્યા છે. બજારમાં ગુવાર, ભીંડો અને વટાણા ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. લીલું લસણ પણ ૯૨ થી ૧૨૧ રૂપિયાના ભાવે મળી રહ્યું છે. માત્ર કોબીજ ૧૦ થી ૨૦ રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ છે.
શિયાળામાં ગુજરાતીઓના ઘરે બનતું ઊંધિયું પણ હવે મોંઘું થયું છે. ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ વાતાવરણ સાફ થતા નવેસરથી વાવેતર શરૂ થયું છે, પરંતુ આ નવો અને સારી ગુણવત્તાનો લોકલ પાક બજારમાં આવતા હજુ ૧૫ થી ૨૦ દિવસનો સમય લાગશે. ત્યાં સુધી સામાન્ય જનતાને મોંઘા ભાવે શાકભાજી ખરીદવા મજબૂર થવું પડશે. લોકલ આવક શરૂ થયા બાદ જ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
