રાજકોટ: સાધુ વાસવાણી રોડ પર ધારેશ્વર ડેરીમાં આગ, ₹40 લાખનું નુકસાન

રાજકોટ: સાધુ વાસવાણી રોડ પર ધારેશ્વર ડેરીમાં આગ, ₹40 લાખનું નુકસાન

રાજકોટના ધારેશ્વર ડેરીમાં વહેલી સવારે ભીષણ આગ: ₹40 લાખનું નુકસાન, 45 મિનિટની જહેમત બાદ કાબૂ

 

રાજકોટ: શહેરના સાધુ વાસવાણી રોડ પર સ્થિત શ્યામલ વર્ટીક્સ એપાર્ટમેન્ટની નીચે આવેલી જાણીતી ધારેશ્વર ડેરીમાં આજરોજ વહેલી સવારે લગભગ 6:40 કલાકના આસપાસ અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી સવાર હોવાથી કોઈને તાત્કાલિક જાણ નહોતી, પરંતુ ડેરીમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સ્થાનિકો દ્વારા તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની ગંભીરતા જોતાં કાલાવડ રોડ ફાયર સ્ટેશન અને રામાપીર ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની બે ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ વિકરાળ આગ પર કાબૂ મેળવવામાં ફાયર ટીમને લગભગ 40 થી 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.

આ આગની ઘટનામાં ડેરીમાં રાખેલ સંપૂર્ણ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં ચાર મોટા ફ્રિજ, એક નાનું ફ્રિજ, ત્રણ એર કોમ્પ્રેસર, ફર્નિચર તેમજ મીઠાઈ, ફરસાણ, નમકીન, દૂધ અને દહીં સહિતની વસ્તુઓનો નાશ થયો હતો. ડેરીના માલિકોના પ્રાથમિક અંદાજ મુજબ આ આગના કારણે ₹35 થી ₹40 લાખ જેટલું મોટું નુકસાન થયું છે.

સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. સામાન્ય રીતે શોર્ટ સર્કિટ કે ટેક્નિકલ ખામીને કારણે આગ લાગતી હોય છે, પરંતુ ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાહેર થશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )