
વડોદરા: PSIની તૈયારી કરતી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
વડોદરા: PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગત ૪ માર્ચની મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. મૂળ બનાસકાંઠાના વતની અને છેલ્લા બે વર્ષથી વડોદરામાં સેવા આપતા પ્રિયંકાબેન ખૂબ જ મહેનતુ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ તાજેતરમાં જ યોજાયેલી PSIની દોડની પરીક્ષામાં સફળ થયા હતા અને આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા.
ઘટનાની વિગત મુજબ, પ્રિયંકાબેન નવજીવન વિસ્તારમાં વોર્ડ નંબર ૫ની ઓફિસ સામે એકલા રહેતા હતા. પરીક્ષાની તૈયારી માટે તેઓ છેલ્લા ૧૦ દિવસથી રજા પર હતા. રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યાના સુમારે તેમની એક પોલીસ સખી પરીક્ષાનું વાંચન મટીરીયલ આપવા માટે તેમના ઘરે ગઈ હતી. વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ અવાજ ન આવતા અને પ્રિયંકાબેને ફોન પણ ન ઉપાડતા, પોલીસ મિત્રએ તાત્કાલિક બાપોદ પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં દરવાજો તોડીને જોતા પ્રિયંકાબેન પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
બાપોદ પોલીસ સ્ટેશનના PI એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પ્રિયંકાબેન પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોવાનું જણાતું હતું અને તેમના પર કોઈ ખાસ તણાવ દેખાતો નહોતો. તેમના પરિવારે પણ કોઈ શંકા વ્યક્ત કરી નથી. આજે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં કપુરાઇ અને બાપોદ પોલીસ સ્ટાફે હાજર રહીને સાથી કર્મચારીને આંસુ ભરી આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં પોલીસે ‘અકસ્માત મોત’ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પ્રિયંકાબેનના કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે જેથી આપઘાત પાછળનું ગુઢ રહસ્ય ઉકેલી શકાય.
