
અમદાવાદ: રામોલ પોલીસે 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 ને ઝડપ્યા
રામોલ પોલીસની મોટી રેડ: એક્સપ્રેસ હાઈવે પરથી MD ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદની રામોલ પોલીસ ટીમે નશાના કાળા કારોબાર સામે લાલ આંખ કરી છે. એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્ષ પાસે હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં પોલીસે ₹5.12 લાખના કુલ મુદ્દામાલ સાથે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા તરફથી અમદાવાદમાં પ્રવેશતા રોડ પર કરવામાં આવી હતી.
પોલીસની બાતમી હતી કે મુંબઈથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જેના આધારે રામોલ પી.આઈ. વી.ડી. મોરી અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન મુંબઈના મીરા રોડ ખાતે રહેતા મોહમ્મદજમાન શરીફ શેખ અને તેની પત્ની રહીશાની બેગમાંથી 164 ગ્રામ અને 150 મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થાની બજાર કિંમત આશરે ₹4,92,450 જેટલી થાય છે. ડ્રગ્સની સાથે પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન અને રોકડ પણ કબજે કરી છે.
પકડાયેલ આરોપી મોહમ્મદજમાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે વર્ષ 2021માં મુંબઈમાં પણ ડ્રગ્સ કેસમાં પકડાયેલ છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના હનાન ઉર્ફે રીઝવાન દ્વારા આપવામાં આવ્યો હતો, જે ભુજમાં રહેતા સલમાન નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. રામોલ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને બંને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે હવે ડ્રગ્સ માફિયાઓ દંપતીનો અને ખાનગી બસોનો ઉપયોગ કરી રહ્યા છે જેથી કોઈને શંકા ન જાય. પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખું રેકેટ પકડાઈ ગયું છે. આ સફળ કામગીરીમાં રામોલ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. આગામી દિવસોમાં પોલીસ ભુજ અને મુંબઈના અન્ય ડ્રગ્સ કનેક્શનો સુધી પહોંચવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે.
