
RAJKOT BJP ફેરફાર: નિરીક્ષકોને સૂચવાયું, યુવા ચહેરાને તક આપો
Rajkot BJP: સંગઠન પુનર્રચના પૂર્વે સેન્સ, યુવા ટીમને તક આપવા માંગ
Rajkot BJP: છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરિક જૂથવાદ અને કકળાટથી ઘેરાયેલા રાજકોટ શહેર ભાજપ સંગઠનને નવો ઓપ આપવા માટે ગઈકાલે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.
નિરીક્ષકોએ વર્તમાન ધારાસભ્યો, સાંસદ, પ્રદેશ ઉપપ્રમુખ તેમજ ભૂતપૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને સમૂહમાં અને વ્યક્તિગત રીતે સાંભળ્યા હતા.
આ સેન્સ દરમિયાન લગભગ તમામ જૂના-જાણીતા નેતાઓએ સંગઠનમાં ‘સંપૂર્ણ નવી અને ફ્રેશ ટીમ’ લાવવા પર ભાર મૂક્યો હતો. નેતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,
જો લાંબા સમયથી પાર્ટી માટે કામ કરનારા યુવા અને નવા ચહેરાઓને તક નહીં અપાય તો તેમની કાર્યક્ષમતાનો ઉપયોગ ક્યારે થશે? આ માટે સંગઠનને સંપૂર્ણપણે નવા રંગરૂપથી નિર્માણ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
નવી ટીમની રચના સાથે જ અન્ય એક ગંભીર મુદ્દો ઉપર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. અમુક નેતાઓએ પ્રમુખ ડો. માધવ દવેને ‘આત્મનિર્ભર’ બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી.
રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક સિનિયર નેતાઓના સતત અને ધરાર માર્ગદર્શન/દખલગીરીને કારણે પ્રમુખ સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી, જે પાર્ટીની ગરિમાને નુકસાન પહોંચાડે છે.
નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો આ અહેવાલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સોંપાશે, જેઓ અંતિમ નિર્ણય લેશે. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે આ નવી નિમણૂકો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
