વડોદરા પોલીસનું બિહારમાં ફિલ્મી ઓપરેશન: સગીરાનું રેસ્ક્યુ

વડોદરા પોલીસનું બિહારમાં ફિલ્મી ઓપરેશન: સગીરાનું રેસ્ક્યુ

વડોદરા: બિહારમાં રિક્ષા ચલાવી પોલીસે સગીરાને રેસ્ક્યુ કરી

વડોદરા: વડોદરા શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે બિહારના મુજફ્ફરપુરમાં અશક્ય લાગતું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને ૧૭ વર્ષીય સગીરાને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવી છે. ૮ મહિના અગાઉ હરણી પોલીસ મથકે નોંધાયેલા અપહરણના ગુનામાં આરોપી અજીતકુમાર મહંતો સગીરાને લલચાવી-ફોસલાવી બિહાર લઈ ગયો હતો.

આ કેસમાં વડોદરા AHTU ના પીઆઈ સી. એચ. આસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બિહાર મોકલવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે પરપ્રાંતમાં હ્યુમન સોર્સ અને સ્થાનિકોનો વિશ્વાસ જીતવો સૌથી મોટો પડકાર હતો. આથી, પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી. ટીમના જવાનોએ સ્થાનિક પહેરવેશ ધારણ કર્યો અને બે દિવસ સુધી મુજફ્ફરપુરની શેરીઓમાં શાકભાજીની રેકડી ફેરવી તેમજ પેડલ રિક્ષા ચલાવીને આરોપી પર કડક વોચ ગોઠવી હતી. સતત મોનિટરિંગ બાદ આરોપી અજીતકુમારને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં સગીરાનું ચોક્કસ લોકેશન જાણવા મળ્યું હતું, જ્યાંથી તેનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

પીઆઈ આસુન્દ્રાએ જણાવ્યું કે, ટેકનિકલ અને હ્યુમન સોર્સના મિશ્રણથી આ કેસમાં સફળતા મળી છે. સગીરા અને આરોપી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે અને તેઓ વડોદરાથી ભાગીને ઉત્તર પ્રદેશ થઈ બિહાર પહોંચ્યા હતા. પોલીસની આ ટીમ અગાઉ પણ ૨૦૧૩ ના ગુનામાં ૧૨ વર્ષ બાદ સગીરાને (જે હવે ૨૭ વર્ષની થઈ હતી) ગાંધીનગરથી પરત લાવી ચૂકી છે. આ સફળ કામગીરી બદલ વડોદરા પોલીસ કમિશનર દ્વારા ટીમને બિરદાવવામાં આવી છે. હાલ સગીરાને તેના પરિવારને સોંપીને આરોપી વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં કાયદાકીય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન સાબિત કરે છે કે ગુજરાત પોલીસ ગુનેગારોનો પીછો કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )