
રાજકોટનો ભાદર-૧ ડેમ ઓવરફ્લો: ૨૦ લાખ લોકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ
રાજકોટની જીવાદોરી ભાદર-૧ ડેમ છલકાયો: ૨૦ લાખ લોકોને પીવાના પાણીની મોટી રાહત, ખેડૂતો માટે પણ સિંચાઇના પાણીનો ભરોસો
રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઉપરવાસમાં થયેલા સારો વરસાદ અને સૌની યોજનાના પાણીની સતત આવકને કારણે ડેમ તેની ૩૪ ફૂટની ભયજનક સપાટી પર પહોંચીને છલકાઈ ગયો છે.
આ ડેમ છલકાતા રાજકોટ શહેર સહિત આસપાસના વિસ્તારો જેવા કે જેતપુર, વીરપુર, ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ આવતા આશરે ૨૦ લાખ લોકો માટે પીવાના પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીનો જથ્થો પૂરતો હોવાનું જાહેર કરાયું છે.
પીવાના પાણી ઉપરાંત, ખેતી માટે પણ આ ડેમ અત્યંત મહત્ત્વનો હોવાથી, તેના ઓવરફ્લો થવાથી ખેડૂતો માટે આગામી સમયમાં સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે.
ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં ૨૮૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે એટલો જ જથ્થો નદીમાં છોડવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભાદર-૧ ડેમનું છલકાવું એ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
