
રાજકોટ RMC ધનતેરસ આતશબાજી: ૪૧ વર્ષની ભવ્ય પરંપરા, લાખો લોકો ઉમટ્યા
રાજકોટની આગવી ઓળખ: ધનતેરસની રાત્રે રેસકોર્ષનું આકાશ ઝળહળી ઉઠ્યું, RMC દ્વારા ૪૧મા વર્ષે ૧ કલાકની ભવ્ય આતશબાજી
રાજકોટ: ઉજાસના મહાપર્વ દિવાળીની ઉજવણીનો પ્રારંભ રાજકોટમાં તેની આગવી શૈલીમાં કરવામાં આવ્યો. રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ધનતેરસની રાત્રે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્ષ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે સતત ૪૧મા વર્ષે યોજાયેલી આ આતશબાજીને નિહાળવા માટે લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા.
શનિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં આકાશને જાણે કે રંગોળીથી સજાવી દેવાયું હતું. અગાઉ ૪૫ મિનિટ સુધી ચાલતી આતશબાજી હવે છેલ્લા ત્રણ વર્ષથી ૧ કલાક સુધી લંબાવવામાં આવી છે. આ ૧ કલાક દરમિયાન આકાશમાં અવનવી અને આકર્ષક વેરાયટીના ફટાકડાઓથી રોશની પથરાઈ ગઈ હતી. સ્કાય શોટ્સ, તારામંડળ અને રંગબેરંગી રોશનીના અદભુત દ્રશ્યોએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.
નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકોએ આ અદ્ભુત નજારાનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેનાથી શહેરમાં દિવાળીનો ઉજાસ પથરાઇ ગયો છે. લાખોની જનમેદનીની ઉપસ્થિતિ રાજકોટના તહેવાર પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. મહાનગર પાલિકાનો આ પ્રયાસ દર વર્ષે રાજકોટવાસીઓ માટે દિવાળીની યાદગાર શરૂઆત બની રહે છે
