રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ: ₹૫૪ લાખના ખર્ચ છતાં વગર વરસાદે પાણી ભરાયા, સ્થાનિકો ત્રાહિમામ

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ: ₹૫૪ લાખના ખર્ચ છતાં વગર વરસાદે પાણી ભરાયા, સ્થાનિકો ત્રાહિમામ

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭માં ₹૧૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો વોર્ડ નં. ૩નો રેલનગર અન્ડરબ્રિજ છેલ્લા ઘણા સમયથી વગર વરસાદે પાણી ભરાવાની કાયમી સમસ્યાને કારણે વિવાદમાં છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મનપાએ ગત વર્ષે ₹૫૪ લાખના ખર્ચે રિપેરિંગ કામ કરાવ્યું હતું અને અઢી મહિના સુધી બ્રિજ બંધ રાખ્યો હતો, પરંતુ આ ખર્ચ પાણીમાં ગયો હોય તેમ આજે પણ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે.

હાલમાં રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી, તેમ છતાં રેલનગરના આ અન્ડરબ્રિજમાં જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવા ઉપરાંત બ્રિજની નિયમિત સફાઈના અભાવે લીલ પણ જામી ગઈ છે, જેના કારણે વાહનો સ્લિપ થવાના અને અકસ્માતો થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે.

આશરે ૧ લાખથી વધુ વસ્તી ધરાવતા રેલનગર અને આસપાસના વિસ્તારના લોકોએ મનપા તંત્ર પર ઘોર નિંદ્રામાં હોવાનો અને નિષ્ક્રિયતાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુદ ડેપ્યુટી મેયર આ વિસ્તારના હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે.

આ મામલે મનપાના એન્જિનિયરનું નિવેદન છે કે, “જમીનમાંથી આવતું પાણી બંધ કરવા કામગીરી થઈ હતી. જો સાઈડમાંથી આવતું પાણી બંધ કરીએ તો દીવાલ નબળી પડી જાય.” જોકે, સ્થાનિકોની માંગ છે કે, કરોડોનો ખર્ચ કર્યા પછી પણ જો આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતો હોય તો મનપાએ નક્કર પગલાં ભરવા જોઈએ.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )