
રાજકોટ મોકાજી સર્કલ રોડ: ૨ વર્ષથી ખાડા, સ્થાનિકોમાં આક્રોશ
રાજકોટ: સરદાર પટેલ માર્ગની ખરાબ હાલત, ચૂંટણીમાં રોષ
રાજકોટ: રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા મોકાજી સર્કલ પાછળના સરદાર પટેલ માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
કરોડો રૂપિયાના ફ્લેટ અને બંગલા આવેલા હોવા છતાં, આ મુખ્ય માર્ગની પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી ગામડા કરતાં પણ ખરાબ છે.
સ્થાનિક નાગરિક મુકેશ પટેલના જણાવ્યા અનુસાર, નાના મવા રોડ અને મોકાજી સર્કલનો તમામ ટ્રાફિક અને પાણીનો ભરાવો આ માર્ગ પર આવે છે. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે, નેતાઓ માત્ર ચૂંટણીમાં મત લેવા આવે છે અને ‘આ કરીશું, તે કરીશું’ જેવા વાયદા કરીને જતા રહે છે. તેમણે ઉમેર્યું કે, નિયમિત ટેક્સ ભરવા છતાં રોડ-રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોમાં શાસક પક્ષ નિષ્ફળ રહ્યો છે.
સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીના પ્રમુખ રાજુ સાવલિયાએ જણાવ્યું કે, આ સમસ્યા લગભગ ત્રણ વર્ષથી છે. ડીઆઈ પાઇપ લાઇન નખાઈ ગયાને પણ એક વર્ષ થઈ ગયું, છતાં કામ થયું નથી. તેમણે ચેતવણી આપી કે ખરાબ રસ્તાને કારણે અહીંયા અકસ્માતો વધી રહ્યા છે અને જો કામ નહીં થાય તો આગામી ચૂંટણીઓમાં તેની અસર પડશે.

અન્ય એક રહેવાસી પ્રફુલભાઈ સોલંકીએ જણાવ્યું કે, આ રોડ પર ૭ સોસાયટીઓ અને ૩ થી ૪ મોટી સ્કૂલો આવેલી હોવાથી રોજના હજારો વાલીઓ અને વાહનચાલકોને હેરાનગતિ થાય છે. ખાડામાં પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓના કપડાં અને દફતર પણ ખરાબ થાય છે.
બીજી તરફ, વોર્ડ નંબર ૧૧ના ભાજપ પ્રમુખ હિરેન મુંગપરાએ બચાવ કરતાં જણાવ્યું હતું કે ડીઆઈ લાઇન માટે ખોદકામ થયું હતું અને રોડ પાસ પણ થઈ ગયો છે. તેમણે ખરાબ હાલતનું કારણ સતત વરસાદ ને ગણાવ્યું હતું અને આશ્વાસન આપ્યું હતું કે વરસાદ બંધ થતાં જ તાબડતોબમાં આ રોડનું કામ શરૂ કરાશે.
અહેવાલ: હાર્દિક ચંદારાણા
દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
