
રાજકોટ મવડી: ૮૫ વર્ષના વૃદ્ધે ૧૨ વર્ષની બાળકી સાથે કર્યા અડપલાં
મવડીમાં ૮૫ વર્ષના વૃદ્ધની ધરપકડ: બાળકી સાથે અડપલાંનો વીડિયો વાયરલ
રાજકોટના ધમધમતા મવડી વિસ્તારમાં ૮૫ વર્ષના વિરમ ભગાભાઈ બરાડિયાએ કરેલા કૃત્યથી સમગ્ર ગુજરાત શરમાઈ ગયું છે. મવડી ચોકડી પુલ નીચે મનપાના પાર્કિંગમાં ૧૨ વર્ષની બાળકી સાથે અડપલાં કરતો આ વૃદ્ધ જ્યારે કેમેરામાં કેદ થયો, ત્યારે તેની અસલી વિકૃતિ બહાર આવી. જે વયે માણસ મૃત્યુશય્યા પર ઈશ્વરનું સ્મરણ કરતો હોય, તે વયે પૌત્રી જેવી બાળકી સાથે આવી ચેષ્ટા કરવી તે અત્યંત ધૃણાસ્પદ છે.
પોલીસ સ્ટેશનની સીડી ચડતા શ્વાસ ચડી જતા આ વૃદ્ધમાં પાપ કરવાની પૂરી શક્તિ હતી. પોલીસની પૂછપરછમાં તેણે જે રીતે બચાવ કર્યો તે તેની નફ્ફટાઈની પરાકાષ્ઠા છે. “બાળકી ગ્રીલ પરથી પડી ન જાય એટલે હાથ મૂક્યો હતો” – આ દલીલ તેની વિકૃતિ પર પડદો પાડવાનો નિષ્ફળ પ્રયાસ છે. વીડિયો પુરાવો હોવા છતાં આ શખ્સ પોતાના નાક કપાયાની ચિંતા કરે છે, પણ પેલી માસૂમ બાળકીના માનસિક આઘાતની તેને કોઈ પરવા નથી.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર વધવાથી કોઈ ‘બુઝુર્ગ’ પૂજનીય બની જતું નથી. સમાજમાં વધતી આવી ઘટનાઓ માટે ક્યાંક ને ક્યાંક આપણી લચર ન્યાયિક પ્રણાલી જવાબદાર છે. જે પિતાએ પહેલા ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો, તે બતાવે છે કે સામાન્ય માણસ કાયદાની પ્રક્રિયાથી કેટલો ડરે છે. જો પોલીસે કડક વલણ ન અપનાવ્યું હોત તો આ નરાધમ આજે પણ બહાર ખુલ્લેઆમ ફરતો હોત.
રાજકારણીઓ જે ‘બેટી બચાવો’ ના સૂત્રો આપે છે, તેમને આ કિસ્સો જોવો જોઈએ. શું ૨૧મી સદીના ગુજરાતમાં દીકરીઓ પોતાના દાદાની ઉંમરના વ્યક્તિઓ પાસે પણ અસુરક્ષિત છે? આ કિસ્સામાં પોલીસે દાખલારૂપ તપાસ કરી વૃદ્ધને કડક સજા અપાવવી જોઈએ. માત્ર જેલ નહીં, પણ આવા તત્વોનો સામાજિક બહિષ્કાર જરૂરી છે. આ ઘટના નૈતિક મૂલ્યોના પતનની પરાકાષ્ઠા છે, જેનો ઉકેલ માત્ર કાયદામાં નહીં પણ મજબૂત સામાજિક ચેતનામાં છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
