
રાજકોટ હરિહર ચોકનો રસ્તો બંધ: દિવાળીના તહેવારોમાં સદર બજાર ટ્રાફિક સમસ્યાને લઈ તંત્રને આગોતરા આયોજનની તાકીદ
હરિહર ચોકનો રસ્તો બંધ થતાં દિવાળીના તહેવારોમાં ટ્રાફિકની મોટી સમસ્યાના એંધાણ: સદર બજારમાં કોઈ અનહોની ન બને તે માટે તંત્રને આગોતરા આયોજનની અપીલ
રાજકોટ: શહેરના મધ્યમાં આવેલા હરિહર ચોક પાસે વોકળાની ચાલી રહેલી કામગીરીને કારણે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ જાણે છે કે ઉતરાયણ, હોળી અને ખાસ કરીને દિવાળીના તહેવારોમાં ખરીદી માટે સમગ્ર શહેરના લોકો સદર બજારમાં ઉમટી પડે છે.
આ દરમિયાન સદરમાં થતી ગીર્દી અને ટ્રાફિકની સમસ્યાથી તંત્ર અને શાસકો વાકેફ છે. જ્યારે રસ્તો ખુલ્લો હોય છે, ત્યારે પણ ટ્રાફિકને કાબૂમાં રાખવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે આ વખતે તહેવારોના ઠીક પહેલાં જ હરિહર ચોકનો મુખ્ય રસ્તો બંધ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
નાગરિકો અને વેપારીઓમાં એવી ચિંતા પ્રવર્તી રહી છે કે જો તહેવારો દરમિયાન વધારાના ટ્રાફિકનું યોગ્ય રીતે મેનેજમેન્ટ નહીં થાય, તો મોટો ટ્રાફિક જામ થવાની અને કોઈ અનહોની થવાની સંભાવના છે.
તંત્ર અને શાસકોએ આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. તેમાં ડાયવર્ઝન પ્લાન, વધારાના ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડની તૈનાતી, તેમજ જરૂર પડે તો વોકળાની કામગીરીને તહેવારો પૂરતી મોકૂફ રાખવા જેવા આક્રમક નિર્ણયો લેવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. દિવાળી પૂર્વે તંત્રના આગોતરા આયોજન પર સૌની નજર છે.
