રાજકોટ જિલ્લા પંચાયત બની ‘વ્યસન મુક્ત

રાજકોટ જિલ્લા પંચાયત બની ‘વ્યસન મુક્ત

રાજકોટ જિલ્લા પંચાયત માં તમાકુ-વ્યસન પર કડક પ્રતિબંધ

રાજકોટ: જાહેર સ્થળો અને સરકારી કચેરીઓને સ્વચ્છ અને વ્યસનમુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયત કચેરીમાં હવે તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ કે પાન-મસાલાનું સેવન કરીને પ્રવેશ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા પંચાયતની એકાદ માસ પહેલા ઘેલા સોમનાથ ખાતે મળેલી ખાસ સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, અને હવે તા. ૧૩-૧૦-૨૦૨૫ના આ ઠરાવને સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ, કચેરીના પરિસરમાં કોઈપણ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ બીડી, સિગારેટ, ગુટખા, પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરી શકશે નહીં. કચેરીમાં લાગેલા બેનરોમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, જો કોઈ વ્યક્તિ તમાકુનું સેવન કરતા, પીચકારી મારતા કે પોતાની સાથે આવી વસ્તુઓ રાખતા પકડાશે, તો તેમને રૂ. ૫૦૦/- (રૂપિયા પાંચસો) દંડને પાત્ર રહેશે. વારંવાર નિયમનો ભંગ કરનાર સામે ઠરાવના નિયમ મુજબ વધુ કડક કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે.

જિલ્લા પંચાયત કચેરી ખાતેના તમામ ફ્લોર ઉપર આ નવા નિયમ અંગેના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જોકે, મોટાભાગના કર્મચારીઓ પણ વ્યસન ધરાવતા હોય છે, ત્યારે આ નિયમનો કડક અમલ થાય છે કે નહીં અને કર્મચારીઓ આ નિયમને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું. આ પહેલથી કચેરીનું વાતાવરણ સ્વચ્છ અને સ્વસ્થ બને તેવી અપેક્ષા છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )