વડોદરા: માય વડોદરા એપ પરથી AQI ડેટા ગાયબ, લોકો પરેશાન

વડોદરા: માય વડોદરા એપ પરથી AQI ડેટા ગાયબ, લોકો પરેશાન

વડોદરા: AQI મશીન પરત આવ્યા છતાં એપ પર આંકડા કેમ નહીં?

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં પ્રદૂષણનું સ્તર જાણવા માટે મુકાયેલા મશીનો હવે માત્ર અધિકારીઓ માટે જ ‘સ્માર્ટ’ રહ્યા હોય તેમ જણાય છે. ‘માય વડોદરા’ એપ પરથી હવાની ગુણવત્તા (AQI) ની લાઇવ માહિતી આપતી સિસ્ટમ છેલ્લા 18 દિવસથી બંધ કરી દેવાતા શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે શંકા જાગી છે.

પાલિકાએ શહેરના 8 પ્રમુખ વિસ્તારો – જાંબુવા, મકરપુરા, ટ્રાન્સપેક, સુભાનપુરા, છાણી, મંગળ બજાર, બાપોદ અને અટલાદરામાં હવાની ગુણવત્તા માપતા સેન્સર મશીનો લગાવ્યા છે. આ મશીનોના આંકડા અગાઉ પાલિકાની એપ પર સીધા જોઈ શકાતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એપ પરથી આ આઇકોન અને લિંક ગાયબ છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટ સિટીના ડેશબોર્ડ પર અધિકારીઓ આ ડેટા જોઈ શકે છે, પરંતુ તેને પ્રજા માટે જાહેર કરવામાં આવતા નથી.

આઈટી વિભાગના ડિરેક્ટર મનીષ ભટ્ટના જણાવ્યા અનુસાર, આ મશીનો સાત વર્ષ જૂના હોવાથી તેને કેલિબ્રેશન અને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યા હતા. સેન્સરની સફાઈ અને પેરામીટર સેટિંગ બાદ શનિવારે આ મશીનો પરત આવી ગયા છે. હવે આ ડેટા ફરીથી એપ પર ક્યારે લાઈવ કરવા તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

શહેરમાં ઠેર-ઠેર ચાલતા ખોદકામ અને શિયાળા દરમિયાન વધેલા પ્રદૂષણને કારણે AQI નો આંકડો સતત ચિંતાજનક સ્તરે રહેતો હતો. ઓગસ્ટ 2023માં AQI 400 ને પાર કરી ગયો હતો અને ડિસેમ્બર 2024માં મંગળ બજાર વિસ્તારમાં તે 382 નોંધાયો હતો. નાગરિકોનું માનવું છે કે હવાની ખરાબ ગુણવત્તા છતી ન થાય તે માટે પાલિકાએ જાણી જોઈને આ આંકડા આપવાનું બંધ કર્યું છે. અત્યારે વડોદરાવાસીઓએ હવાની શુદ્ધતા ચકાસવા માટે ખાનગી કંપનીઓની એપનો સહારો લેવો પડી રહ્યો છે, જે સ્માર્ટ સિટીના દાવાઓ સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )