
MKBU ક્રિકેટ ગ્રાઉન્ડને સ્વ. નરેન્દ્રસિંહજી, ફૂટબોલ ગ્રાઉન્ડને મહારાજા વિરભદ્રસિંહજીનું નામ આપવા NSUIની માંગ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં રમતગમતનાં ગ્રાઉન્ડ્સને રાજવી પરિવારનાં સભ્યોનાં નામ આપવાની NSUI દ્વારા માગણી
ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) નાં ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડને રાજવી પરિવારનાં સભ્યોનાં નામ આપીને તેમનો યોગદાનને સન્માનિત કરવાની માગણી સાથે NSUI દ્વારા યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
NSUI ગુજરાત પ્રદેશ મહામંત્રી ગીરીરાજસિંહ વાળા, ભાવનગર જિલ્લા NSUI ઉપ પ્રમુખ અભિજીતસિંહ ચુડાસમા અને ભાવનગર NSUI મહામંત્રી હાદી નકવી દ્વારા આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમની માંગણી મુજબ, યુનિવર્સિટીનાં ક્રિકેટ ગ્રાઉન્ડને સ્વ. નરેન્દ્રસિંહજી ગોહિલનું નામ આપવામાં આવે. સ્વ. નરેન્દ્રસિંહજી ગોહિલ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીનાં ખેલાડી હોવાની સાથે વર્ષો સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સિલેક્શન બોર્ડનાં ચેરમેન રહ્યા હતા અને યુનિવર્સિટીમાં પણ કેમ્પસ ઓફિસર તરીકે સેવા આપી હતી. તેમનાં યોગદાનને કારણે યુનિવર્સિટીનાં અનેક ખેલાડીઓને સૌરાષ્ટ્ર ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો.
આ ઉપરાંત, ફૂટબોલ ગ્રાઉન્ડને મહારાજા વિરભદ્રસિંહજી ગોહિલનું નામ આપવા માંગ કરવામાં આવી છે. NSUIએ રજૂઆત કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ભાવનગર માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં મહારાજા વિરભદ્રસિંહજી ગોહિલનો સિંહફાળો હતો. તેમનાં આ યોગદાનને માન આપીને ફૂટબોલ ગ્રાઉન્ડનું નામકરણ કરવું જોઈએ. યુનિવર્સિટી સત્તાધીશો આ માગણીને ધ્યાનમાં લે તે માટે NSUI દ્વારા જોરદાર રજૂઆત કરવામાં આવી છે.
