
વાઘોડિયા: દારૂ કાંડમાં PI સસ્પેન્ડ, પોલીસ-બુટલેગર સાંઠગાંઠ ખુલી
વાઘોડિયા દારૂ દરોડો: PI પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ
વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ સ્ટેશનની આબરૂના ધજાગરા ઉડ્યા છે. જે પોલીસ પર કાયદાના અમલની જવાબદારી છે, તે જ પોલીસ બુટલેગરો સાથે મળીને કરોડોના વહીવટમાં વ્યસ્ત હોવાનું બહાર આવ્યું છે. 9 જાન્યુઆરીની રાત્રે આનંદ નગરી વિસ્તારમાં થયેલા SMCના દરોડાએ વાઘોડિયા પોલીસની પોલ ખોલી નાખી છે. વિદેશી દારૂની 6129 બોટલો અને 10 વૈભવી વાહનો સહિત ₹41.92 લાખનો મુદ્દામાલ ઝડપાયા બાદ જે વિગતો સામે આવી છે, તે પોલીસ વિભાગ માટે કલંકરૂપ છે. તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આ તો માત્ર હિમશિલાની ટોચ છે.
તપાસ દરમિયાન જપ્ત કરાયેલા 9 ચોપડાઓએ પોલીસ અને ગુનેગારો વચ્ચેના મધુર સંબંધોને ખુલ્લા પાડી દીધા છે. આ ડાયરીઓમાં લખાયેલા કરોડોના હિસાબો અને પોલીસકર્મીઓના મોબાઈલ નંબરો સૂચવે છે કે હપ્તાખોરીનું નેટવર્ક કેટલું ઊંડું છે. પી.આઈ. જાડેજાની બદલી પહેલા સિનોર કરવામાં આવી હતી, પણ જ્યારે આ ‘ડાયરી કાંડ’ રાજ્યના પોલીસ વડા સુધી પહોંચ્યો, ત્યારે સસ્પેન્શન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. કરણ બારીયા, વિનોદ વસાવા અને અલીરાજપુરના સપ્લાયરો સાથે મળીને આખું નેટવર્ક પોલીસના નાકની નીચે જ ચાલતું હતું.
આ ઘટના એ પ્રશ્ન ઉભો કરે છે કે, શું એક અધિકારીના સસ્પેન્શનથી સિસ્ટમ સુધરશે? ડાયરીમાં જે બીજા પોલીસ કર્મચારીઓના નામ છે, તેમના પર ક્યારે એક્શન લેવાશે? વાઘોડિયામાં બસ સ્ટેન્ડ પાછળ સરેઆમ દારૂનું કટીંગ થતું હોય અને સ્થાનિક પોલીસને તેની ગંધ પણ ના આવે, તે વાત તંત્રની ઘોર નિષ્ફળતા અથવા તો જાણીજોઈને કરાયેલી આંખ આડા કાનની નીતિ દર્શાવે છે. પકડાયેલા 9 આરોપીઓ તો જેલ ભેગા થયા છે, પણ કાયદાના રક્ષકો જે ગુનેગારોના ભાગીદાર બન્યા છે, તેમની સામે કડકમાં કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે. વાઘોડિયા કાંડ બાદ હવે ગુજરાત પોલીસના વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
