
“એક વાર ઓસમ પર્વત પહોંચી જાવ… મન ન થાય પાછા ફરવાનું!”
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 15 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે અનેક સ્થળો પર કુદરતી સૌંદર્યના મનમોહક દૃશ્યો સામે આવતા હોય છે. ઓસમ પર્વતનો ‘AWESOME’ વ્યૂ:ખળખળ વહેતાં ઝરણાં, લીલીછમ વનરાજી ને ડુંગર પરથી વહેતા ધોધનું આહ્લાદક દૃશ્ય, એકવાર જશો તો પાછા આવવાનું મન નહીં થાય આવું જ કુદરતી સૌંદર્ય એટલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ નજીક આવેલ ઓસમ ડુંગર. અહીં હાલ ધોધ અને હરિયાળીનો સંગમ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે, જેના અદભૂત દૃશ્યો સામે આવ્યા છે. વરસાદના પગલે ઓસમ ડુંગરે જાણે લીલીછમ હરિયાળી ભરેલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે.
ઓસમ પર્વત તેની કુદરતી સુંદરતા ઉપરાંત ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. અહીં ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજી મંદિર આવેલા છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. છેલ્લા એક મહિનાથી વરસી રહેલા વરસાદને કારણે આખો ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી છવાઈ ગયો છે અને પર્વતીય માળામાંથી ખળખળ વહેતા પાણીના ધોધ જાણે સંગીત રેલાવતા હોય તેવો અનુભવ કરાવી રહ્યા છે. આ અદભુત દૃશ્યોને નિહાળવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. પાટણવાવ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ઓસમ ડુંગર પરથી નાના-નાના ઝરણાં રૂપે ધોધ વહેતા થયા છે, જેને આ સ્થળને વધુ મનોહર બનાવી દીધું છે.
પાટણવાવ ગામમાં અનોખું ઓસમ હિલ સ્ટેશન આવેલું છે. 635 એકરમાં પથરાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે સ્થિત માત્રી માના મંદિરનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકો 585 પગથિયા સર કરે છે. ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો ધસારો જોવા મળે છે. દર વર્ષે અહીં ભાદરવી પૂનમે લોકમેળો યોજાય છે અને હજારો લોકો મુલાકાત માટે ઉમટી પડે છે.
આસપાસ ભરપૂર ફેલાયેલી હરિયાળીથી ઓસમ પર્વત સ્વર્ગ સમાન પૂરબહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં તળેટીથી લઈ પર્વત આસપાસ ભરપૂર ફેલાયેલી હરિયાળીને લીધે ઓસમ પર્વત સ્વર્ગ સમાન છે. આ સૌંદર્યને નિહાળવા, તેનો આનંદ અનુભવવાની અનેરી તક છે. ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોમાં ધસારો થઇ રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં ઓસમ જ એક માત્ર પર્વત જ્યાં સરળતાથી જઈ શકાય. અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે. તેથી રાજ્ય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે અહીં બ્યુટીફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે, જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયો છે. પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે સેલ્ફી પોઇન્ટ, સિટિંગ એરેન્જમેન્ટ વગેરેની સુવિધાઓ પણ ઊભી કરી છે. તેથી અહીંના પ્રવાસનને વેગ મળ્યો છે.
સ્થળ કુદરતી સૌંદર્યની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક પણ છે. આ ઓસમ ડુંગરનો હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોવા લાખો પર્યટકો આવી આનંદિત થતાં હોય છે. ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, ભીમકુંડ, હીડંબાનો હિચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ઓસમ ડુંગરની શિલાઓ સપાટ અને લીલી હોવાથી ભૂતકાળમાં એક સમયે તે માખણીયા પર્વત તરીકે ઓળખાતો હતો. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.
અહેવાલ – હાર્દિક ચંદારાણા
