
રાજકોટ :જન્મના દાખલામાં હવે માતાનું નામ રાખી શકાશે: નવા નિયમો
રાજકોટ :જન્મના દાખલામાં હવે માતાનું નામ ચાલશે, સુધારાના નિયમો બદલાયા
રાજકોટ :આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરી મુજબ, હવે છૂટાછેડાના કેસમાં જો બાળકની કસ્ટડી કોર્ટના આદેશથી માતા પાસે હોય, તો તે બાળકના નામ પાછળ પિતાને બદલે માતાનું નામ અને અટક લગાવી શકશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે પિતાના નામની અલગ કોલમમાં જૈવિક (Biological) પિતાનું નામ દૂર કરી શકાશે નહીં, તે યથાવત રહેશે. પરંતુ બાળકના આખા નામમાં પિતાનું નામ કે અટક જોડવી કે નહીં તે હવે મરજિયાત રહેશે. એટલે કે, દાખલામાં માત્ર ‘બાળકનું નામ’ રાખવાની પણ છૂટ આપવામાં આવી છે.
નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ આપતો બીજો મોટો નિર્ણય સુધારાની મર્યાદાને લઈને છે. અત્યાર સુધી 2007ના નિયમ મુજબ જન્મ-મરણના દાખલામાં આજીવન માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. આ નિયમ હવે બદલાઈ ગયો છે. હવેથી સંજોગો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને નાગરિકો એકથી વધુ વખત પણ જરૂરી સુધારા-વધારા કરાવી શકશે.
આ ઉપરાંત મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખાવવું હવે વૈકલ્પિક રહેશે. રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ નવી એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી છૂટાછેડા લીધેલી મહિલાઓ અને સામાન્ય અરજદારોને મોટી રાહત મળશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
