
NHRC: સુરક્ષા નિયમ તોડતી સ્લીપર બસો હટાવવા રાજ્યોને આદેશ
NHRC સ્લીપર બસ આદેશ: જીવનના અધિકારના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ ઇન્ડિયા (NHRC) એ ભારતમાં સ્લીપર કોચ બસોની સુરક્ષા વ્યવસ્થા અંગે સખત વલણ અપનાવ્યું છે. અકસ્માતોમાં લોકોના મૃત્યુના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, માનવાધિકાર આયોગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને મહત્ત્વના નિર્દેશો જારી કર્યા છે. કમિશને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરતી તમામ સ્લીપર બસોને તાત્કાલિક ધોરણે રસ્તાઓ પરથી દૂર કરવામાં આવે.
આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ જારી કરેલા આદેશમાં જણાવાયું છે કે, ભારતમાં લાંબા અંતરના પ્રવાસ માટે સ્લીપર બસો ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ ઓવરલોડિંગ, નબળી જાળવણી, વધુ ઝડપ અને સુરક્ષા નિયમોની અવગણનાને કારણે તે જીવલેણ અકસ્માતોનો શિકાર બને છે.
NHRC એ ભારપૂર્વક જણાવ્યું છે કે, આવી બેદરકારી અને અવગણનાના કારણે અકસ્માતોમાં લોકોનું મૃત્યુ થવું એ ભારતીય બંધારણના અનુચ્છેદ-૨૧ (જીવનનો અધિકાર) નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ વર્ષે થયેલા ઘણા ગંભીર સ્લીપર બસ અકસ્માતોમાં થયેલી જાનહાનિના પગલે આયોગે આ કડક નિર્ણય લીધો છે. રાજ્યોને આદેશનું કડક પાલન કરીને જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાકિદ કરવામાં આવી છે.
