
મનપા કચેરીએ પાર્કિંગની સમસ્યા વકરી, અરજદારો પરેશાન
મનપા :સેન્ટ્રલ ઝોન કચેરીએ પાર્કિંગ હાઉસફુલ, વાહનો કાઢવા મુશ્કેલ
મનપા દ્વારા વહીવટી સરળતા માટે અનેક સેવાઓનું વિકેન્દ્રીકરણ કરી વોર્ડ ઓફિસે સત્તા આપવામાં આવી છે. તેમ છતાં, જાગૃતિના અભાવે કે આદતવશ, લોકોનો પ્રવાહ હજુ પણ સેન્ટ્રલ ઝોન તરફ જ વહે છે. ખાસ કરીને જન્મ-મરણના દાખલામાં આવેલા નવા સુધારા અને આધાર કાર્ડની મર્યાદિત કામગીરી માટે અહીં કાયમી ભીડ રહે છે.
આજે સવારથી જ સિવિક સેન્ટર પર અરજદારોની ભીડ ઉમટી હતી. જેના કારણે પાછળના ભાગે આવેલું પાર્કિંગ સંપૂર્ણ ભરાઈ ગયું હતું. સ્થિતિ એવી હતી કે સ્કૂટર પાર્ક કરવાની તો દૂર, ઉભું રાખવાની પણ જગ્યા નહોતી. જે લોકોએ વાહન પાર્ક કર્યા હતા, તેઓ કામ પતાવીને પરત ફર્યા ત્યારે વાહન બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વળી, વર્ષોથી કચેરીનો પાછળનો ગેટ બંધ રખાતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વધુ જટિલ બની છે.
લોકોમાં એવી ચર્ચા છે કે, મનપા સામાન્ય નાગરિકોના બિલ્ડિંગ પ્લાનમાં પાર્કિંગની જગ્યા છે કે નહીં તે કડકાઈથી તપાસે છે. પરંતુ આ દ્રશ્યો સાબિત કરે છે કે કોર્પોરેશને હવે પોતાની જ કચેરીમાં સુવિધા વધારવા વિશે ગંભીરતાથી વિચારવું પડશે. જ્યાં સુધી પાર્કિંગની સમસ્યા નહીં ઉકેલાય ત્યાં સુધી અરજદારોની હાલાકી ચાલુ જ રહેશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
