
મહીસાગર: ગેરકાયદે લાકડાં ભરેલાં બે માલવાહક વાહનો જપ્ત.
મહીસાગર: ચાકલીયા ચોકડી પર ગેરકાયદે લાકડાં ભરેલાં બે વાહનો ઝડપાયાં.
મહીસાગર વન વિભાગે ગેરકાયદેસર વનસંપદાની હેરફેર અટકાવવા માટે સક્રિયતા દાખવી છે. નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ અને લુણાવાડાના પરિક્ષેત્ર વન અધિકારીની સૂચનાઓ મુજબ લુણાવાડા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશનના ભાગરૂપે, વન વિભાગના સ્ટાફે મલેકપુર તરફથી આવતાં ગેરકાયદેસર લાકડાં ભરેલાં વાહનોની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાકલીયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, GJ 23 X 7558 અને GJ 18 T 9653 નંબરનાં બે શંકાસ્પદ માલવાહક વાહનોને અટકાવી તેની તલાશી લેવામાં આવી.
તલાશી લેતા, વાહનોમાંથી ગેરકાયદેસર રીતે વહન થતો લીલા તાજા પંચરાવ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે ડ્રાઇવરો પાસે પાસ-પરમિટ જેવા જરૂરી કાયદેસરના દસ્તાવેજો માંગ્યા, પરંતુ તેઓ કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. તાત્કાલિક ધોરણે બંને વાહનો અને તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી માટે આ ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત રાખવામાં આવી છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વનસંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
